રાજકોટમાં 15 ઓગસ્ટથી વધુ 25 ઇલેકિટ્રક બસ રાજમાર્ગો પર દોડતી થશે
રાજકોટ : રાજકોટને પ્રદુષણમુક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકાને 150 ઇલેક્ટ્રિક બસની ફાળવણી કરવામાં આવનાર છે. તેમાંથી હાલમાં 25 બસ બીઆરટીએસ અને એઇમ્સરૂટ પર ચાલી રહી છે. ત્યારે, હવે વધારાની 25 બસની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. હાલમાં આ ઇલેક્ટ્રિક બસના રજીસ્ટ્રેશન સહિતની કામગીરી આરટીઓમાં ચાલી રહી છે. જે મહિનાના અંત સુધીમાં પુરી થઇ જશે. આથી આગામી સ્વતંત્રતા પર્વે તા. 15 ઓગસ્ટે મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને વધુ એક સુવિધાજનક ભેંટ આપવામાં આવશે તેમ મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરાએ વાતચિતમાં કહ્યું હતું.
હાલ 18 બસ દોડે છે, યુક્રેન અને રશિયાના યુધ્ધને કારણે ચીપ ન મળતા વિલંબ
તેઓએ કહ્યું હતું કે, રાજકોટને પ્રદુષણમુક્ત કરવા માટે કેન્દ્ર સરકારની યોજના મુજબ મહાનગરપાલિકાને હાલમાં 150 ઇલેકિટ્રક બસ મંજૂર કરવામાં આવી છે. તેમાંથી 25 ઇલેકિટ્રક બસ અગાઉ મળી જતાં હાલમાં 18 બસ બીઆરટીએસ રૂટ પર અને એક બસ એઇમ્સરૂટ પર દોડી રહી છે. આ સિવાયની બાકી રહેતી બસો પૈકી વધારાની 25 બસ પણ લાંબા સમયથી ફાળવી દેવામાં આવી હતી પણ, યુક્રેન અને રશિયાના યુધ્ધને કારણે ઇલેકિટ્રક બસની બેટરીની મહત્વની એવી ચીપ મળતી બંધ થઇ જતાં બસની ફાળવણી થઇ શકી નહોતી. હવે પરિસ્થિતિ સામાન્ય થઇ ગઇ હોય વધારાની 25 બસમાંથી બાવીસ નવી બસો રાજકોટ મહાનગરપાલિકાને ફાળવી દેવામાં આવી છે. બાકી રહેતી ત્રણ બસ નજીકના દિવસોમાં આવી જશે.
બીઆરટીએસ રૂટ સિવાય સિટી બસના રૂટ પર ઇલેકિટ્રક બસ દોડાવાશે
જે બસો રાજકોટને મળી ગઇ છે તેના રજીસ્ટ્રેશન, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ સહિતની કામગીરી હાલમાં પ્રગતિમાં છે અને, જૂલાઇ માસના અંત સુધીમાં આ કામગીરી પુર્ણ થઇ જશે. આ પછી મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ રૂટ સિવાય સિટી બસના રૂટ પર ઇલેકિટ્રક બસ દોડાવાશે. આ માટેના રૂટ હવે નક્કી કરાશે. તેઓએ કહ્યું હતું કે ઇલેકિટ્રક બસનું એક ચાર્જીંગ સ્ટેશન હાલમાં આજીડેમ ચોકડી પાસે કાર્યરત છે. જ્યાં 90 બસનું ચાર્જીંગ થઇ શકે તેવી વ્યવસ્થા છે. મહાનગરપાલિકાએ વધારાના એક ચાર્જીંગ સ્ટેશન સ્માર્ટ સિટી વિસ્તારમાં બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.