રામચરિતમાનસની કોપી સળગાવવા બદલ 5 આરોપીઓની ધરપકડ
રામચરિતમાનસની કોપી ફાડવા અને સળગાવવાના કેસમાં લખનઉ પીજીઆઈ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પીજીઆઈ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં સત્યેન્દ્ર કુશવાહ, યશપાલ સિંહ, દેવેન્દ્ર પ્રતાપ યાદવ, સુરેશ સિંહ યાદવ, મોહમ્મદ સલીમ છે. આ આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. રામચરિતમાનસની કોપી ફાડવાનો અને સળગાવવાનો વીડિયો વાયરલ થયો હતો, જ્યારે વાયરલ વીડિયોના આધારે આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
લખનઉ પોલીસે ઉત્તર પ્રદેશની રાજધાનીના વૃંદાવન વિસ્તારમાં અખિલ ભારતીય ઓબીસી મહાસભા નામના સંગઠનના સભ્યો દ્વારા રામચરિતમાનસની નકલો સળગાવવાના આરોપમાં 10 લોકો પર કેસ દાખલ કર્યો છે. આ મામલે પોલીસે કહ્યું કે બીજેપી નેતા સતનામ સિંહ લવીની ફરિયાદ પર FIR નોંધવામાં આવી છે. પીજીઆઈ પોલીસ સ્ટેશનમાં 10 નામાંકિત અને ઘણા અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે અને બાકીની શોધખોળ ચાલુ છે. આ આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 142, 143, 153A, 295, 295A, 298, 504, 505, 506 અને 120B હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ FIRમાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય ઉપરાંત દેવેન્દ્ર પ્રતાપ યાદવ, યશપાલ સિંહ લોધી, સત્યેન્દ્ર કુશવાહ, મહેન્દ્ર પ્રતાપ યાદવ, સુજીત યાદવ, નરેશ સિંહ, એસએસ યાદવ, સંતોષ વર્મા, સલીમ અને અન્ય અજાણ્યાઓ સામેલ છે.
બીજી તરફ, ભારતીય ઓબીસી મહાસભાના અધિકારી દેવેન્દ્ર પ્રતાપ યાદવે આ મામલાને લઈને કહ્યું હતું કે મીડિયાના એક વિભાગમાં કહેવામાં આવ્યું છે કે અમે રામચરિતમાનસની નકલો બાળી છે, તે કહેવું ખોટું છે. રામચરિતમાનસની વાંધાજનક ટિપ્પણીની ફોટોકોપી કરી, જે ‘શુદ્રો’ (દલિતો) અને મહિલાઓ વિરુદ્ધ હતી અને પ્રતિકાત્મક વિરોધ તરીકે ફોટોકોપી કરેલું પેજ બાળી નાખ્યું.