અમદાવાદ, 08 જૂન 2024, ડોક્ટરની ઓળખ આપીને એમ્બ્યુલન્સ સર્વિસમાં ઊંચુ વળતર આપવાની લાલચ આપી પરિચિત મિત્રને 5.57 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા યુવક સહિત ત્રણ લોકો સામે તેના મિત્ર એ જ છેતરપિંડીની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવી હતી. આ મામલે પોલીસે હેમંત અને મયુર નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. આ પ્રકરણમાં હાર્દિક પટવા નામનો આરોપી હજુ ફરાર છે.
પાંચ કરોડથી વધુની રકમની છેતરપિંડીની ફરિયાદ
પ્રાપ્ત માહિતી અનુસાર, જીગર શહેરાવાળાએ સુરતના હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરૂદ્ધ પાંચ કરોડથી વધુની રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જીગર હાલ શારદાબેન હોસ્પિટલમાં બાયોકેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. વર્ષ 2003થી 2009 સુધી જીગર સુરતની સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરતો હતો. ત્યારે હાર્દિક પટવા નામનો યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. હાર્દિક પણ સ્મીમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હોતા અને જીગરનો સિનિયર હતો. બંને વચ્ચે સારી મિત્રતા હતી. તે દરમિયાન હાર્દિક સ્મીમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં ટ્યુટર તરીકે નોકરી કરવા લાગ્યો હતો. હાર્દિક અને જીગર એકબીજાના સંપર્કમાં હતા. જીગર અમદાવાદ આવી ગયો હતો અને બાદમાં અલગ અલગ હોસ્પિટલમાં નોકરી કરવા લાગ્યો હતો.
પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી એક આરોપી ફરાર
હાર્દિકે જીગરને જણાવ્યું હતું કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરતો હોવાથી એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી શકતો નથી. જેથી તેણે તેના મિત્ર હેમંત પરમારના નામે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી છે. જેમાં રોકાણ કરવા તૈયાર કર્યો હતો. ત્યાર બાદ જીગરે 16.92 લાખ અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. હાર્દિકે જીગરને ટુકડે ટુકડે વળતર આપવાનું શરૂ કરતા તેને વધુ વિશ્વાસ બેઠકો હતો. હાર્દિકને આ ધંધામાં વધુ રોકાણની જરૂર પડતા જીગરે વધુ 13 લાખ રૂપિયા ટ્રાન્સફ કર્યા હતા. આ બાદ હાર્દિકે યશ એમ્બ્યુલન્સ સર્વિસીસના નામે કંપની ચાલુ કરી હતી. જેનો માલિક મયુર ગોસ્વામી હતો. આ કંપનીમાં રોકાણ કરવા હાર્દિકને તૈયાર કર્યો હતો. જીગરને વળતર મળતું હોવાથી તેણે 1.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેનું વળતર હાર્દિક દર મહિને ચૂકવી દેતો હતો. જીગરે કુલ 5.75 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેમાં તેને વળતર પેટે 33.55 લાખ રૂપિયા મળ્યા હતા. જેથી જીગરે પોતાના તમામ રૂપિયા પરત માગતા હાર્દિકે પૂરી રકમ ન આપી છેતરપિંડી કરતા જીગરે આર્થિક ગુના શાખામાં ફરિયાદ નોંધાવી અને પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણની લાલચ આપી કરોડોની ઠગાઈ