ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા 2023માં 48,138 સીધી રોજગારી તકોનું સર્જન
ગાંધીનગર (ગુજરાત), 05 ફેબ્રુઆરી: ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019માં કુલ 565 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ હતી, જેની સામે 2023માં 3,291 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેની સાથે-સાથે ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારીની તકોમાં પણ ઘણો જ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2019માં સ્ટાર્ટઅપ્સ દ્વારા 6,077 સીધી રોજગારીની તકો પૂરી પાડવામાં આવી હતી, જે વધીને 2023માં 48,138 સુધી પહોંચી હતી. વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશ દ્વારા આ માહિતી રાજ્યસભામાં બીજી ફેબ્રુઆરીના રોજ સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આપી હતી.
રાજ્યમાં 34,779 માન્યતા પ્રાપ્ત થયેલા સ્ટાર્ટ અપ
રાજ્યમંત્રી સોમ પ્રકાશે આપેલી માહિતી અનુસાર, ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT) દ્વારા 2019માં સમગ્ર ભારતમાં કુલ 10,604 સ્ટાર્ટઅપ્સને માન્યતા પ્રદાન કરાઈ હતી, જે 2023માં વધીને 34,779ના સ્તરે પહોંચી હતી. સાથે-સાથે, સમગ્ર ભારતમાં આ સ્ટાર્ટઅપ્સ દ્વારા ઉપલબ્ધ બનાવેલી રોજગારીની તકો 2019માં 1,23,071 હતી, જે 2023માં 3,90,512 થઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે દેશમાં નવા સંશોધનો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે મજબૂત ઇકોસિસ્ટમના નિર્માણ માટે તથા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમમાં રોકાણને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે 16 જાન્યુઆરી 2016મા રોજ સ્ટાર્ટ-અપ ઇન્ડિયા પહેલ લોન્ચ કરી હતી. ચોક્કસ ઉદ્દેશ્યોની પૂર્તિ માટે, આ પહેલ હેઠળ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવે છે. સરકારના સાતત્યપૂર્ણ પ્રયાસોના પરિણામે DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા વધીને 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ 1,17,254એ પહોંચી છે. આ માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ્સે 12.42 લાખ સીધી રોજગારીની તકોનું સર્જન કરીને અર્થવ્યવસ્થા પર નોંધપાત્ર અસર પેદા કરી છે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓછામાં ઓછાં એક માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપની હાજરી સાથે દેશના લગભગ 80% જિલ્લાઓમાં સ્ટાર્ટઅપ્સની હાજરી જોવા મળે છે.
સરકાર દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા પહેલના 2016માં પ્રાંરભથી 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત 55,816 સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા ડાયરેક્ટર છે. સરકાર મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજના કે કાર્યક્રમોનું અમલીકરણ કરી રહી છે. પરિમલ નથવાણી ભારતમાં સ્ટાર્ટ-અપ ઇન્ડિયા પહેલ હેઠળ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સની સંખ્યા, તેમના દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં સર્જન કરવામાં આવેલી રોજગારીની તકો, સ્ટાર્ટઅપ્સની ભારતીય અર્થવ્યવસ્થા પર અસર અને પ્રદાન તેમજ મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સની સંખ્યા અંગે જાણવા માંગતા હતા.તેના જવાબમાં રાજ્યમંત્રી સોમ પ્રકાશે તમામ વિગતો આપી હતી.
આ પણ વાંચો: સ્ટાર્ટઅપના કારણે નોકરી શોધતા યુવાનો આજે નોકરી આપતા થઈ ગયાઃ CM ભૂપેન્દ્ર પટેલ