પ્રથમ તબક્કાના મતદાન માટે છેલ્લા 48 કલાક બાકી, જાણો શા માટે કહેવાય છે તેને ‘કતલ ની રાત’
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજવાનું છે. તેના માટેના જાહેર પ્રચાર પડઘમ આજે મંગળવારે સાંજે 5 વાગ્યાથી બંધ થઈ ગયા છે. ત્યારે આ આવનારી 48 કલાકનો કતલ ની રાત કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો તેને શા માટે કતલ ની રાત કહેવાય છે ? કતલ ની રાત એટલે કે રાજકીય પક્ષો અને ચૂંટણી લડી રહેલા ઉમેદવારો મતદારોને મનાવવા માટે રીતસર એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે. લોકસંપર્ક અને પ્રચાર અભિયાન પૂર્ણ થયા બાદ હવે ગુપ્ત બેઠકોનો ધમધમાટ જામી રહ્યો છે. જેમાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી-2022 : પ્રથમ તબક્કા માટેના પ્રચારનો અંત, 2 કરોડથી વધુ મતદાર પર ઉમેદવારોની નજર
ગુપ્ત બેઠકો થાય, મતદારોને આકર્ષવા થાય છે પ્રયાસ
ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક અગાઉ પ્રચારના ભૂંગળા શાંત કરી દેવાના હોય છે. આવામાં આજે મંગળવારે સાંજે પ્રચાર-પડઘમ શાંત થઈ ગયા છે. હવે રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ સમાજના આગેવાનો, અલગ અલગ ગામોમાં હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. એક જાણકારી મુજબ ગરીબ વિસ્તારોમાં મતદારોને પૈસા આપી પોતાની તરફ ખેંચી લેવાના પણ પ્રયાસો થતા હોય છે. સામાન્ય રીતે મતદાન પૂર્વેની જે રાત હોય તેને રાજકીય આકાઓ કતલની રાત ગણાવતા હોય છે અને આ રાત્રી દરમિયાન શક્ય તેટલા મતદારોને શામ, દામ, દંડ કે ભેદની નીતિ અખત્યાર કરી પોતાની તરફ આકર્ષી લેવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે.