અમદાવાદમાં 2013માં શરૂ થયેલા ફ્લાવર શોમાં 45 હજાર વિઝિટર હતા, 2023માં 15 લાખ થયા
અમદાવાદ, 1 જાન્યુઆરી 2023, શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર સૌપ્રથમ વખત 2013માં ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી હતી. 2013માં ફ્લાવર શોમાં માત્ર 45 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ નિરંતર જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે હવે 2023ના અંતમાં મુખ્યમંત્રીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું હતું.ફ્લાવર શોને પહેલા દિવસથી જ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શનિ-રવિની રજાના બે દિવસમાં કુલ 1.25 લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે. જેમાં સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. તો ફ્લાવર શોના ઉદ્ઘાટનના પહેલા દિવસે 25,000 લોકોએ મુલાકાત લીધી હતી. 2013માં માત્ર 45 હજાર વિઝિટરથી શરૂ થયેલો ફ્લાવર શો આજે 10 વર્ષમાં 15 લાખ વિઝિટર સુધી પહોંચી ગયો છે.
Ahmedabad Flower Show 2024
➢ It started with 45,000 visitors in 2013 and has now reached 15 lakh. pic.twitter.com/UPYR5aU70C
— The Index of Gujarat (@IndexofGujarat) January 1, 2024
આ વખતે મુખ્યમંત્રીએ 30 ડિસેમ્બરે શરૂઆત કરાવી હતી
દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં લોકોનો ભારે ધસારો રહેતો હોય છે. 30 ડિસેમ્બરના રોજ શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે 9:00 વાગ્યે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારથી જ લોકોની ભીડ ઉમટી પડી હતી. શનિવારે કુલ 18,000 લોકોએ ટિકિટ લઈને પ્રવેશ મેળવ્યો હતો. બાર વર્ષથી નીચેના બાળકો માટે મફત પ્રવેશ છે. જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે ટિકિટ રાખવામાં આવી છે. આમ એક દિવસમાં અંદાજિત 25,000 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023નો અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બર રવિવારે ફ્લાવર શો જોવા માટે સવારથી જ ભીડ ઉમટી હતી. સાંજના સમયે આખો ફ્લાવર શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. રવિવારે કુલ 72 હજાર જેટલા લોકોએ ટિકિટ લઈ પ્રવેશ લીધો હતો.
15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા
‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’ માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે. જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. આ ફૂલ-છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણીયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્ચિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી-વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો છે અને વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. વધુમાં આ ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવ્યું છે.સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટરની સામે ખુલ્લા મેદાનમાં 10 અને એલિસબ્રિજ નીચે 10 જેટલી ટિકિટ બારી રાખવામાં આવી છે. રિવરફ્રન્ટના પૂર્વ છેડા તરફ પણ પાંચ જેટલી ટિકિટબારી રાખવામાં આવી છે. જોકે પૂર્વ તરફથી જે લોકો આવશે તેઓએ અટલબ્રિજની ટિકિટ લઈને ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શો માટે પ્રવેશ મેળવવો પડશે.