ગુજરાત

વેરાવળ-સોમનાથ શહેર-પંથકમાં ત્રણ દિવસમાં 45 લાખની વીજ ચોરી પકડાઇ

Text To Speech

વેરાવળ-સોમનાથ શહેર અને પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી છેલ્‍લા ત્રણ દિવસથી પીજીવીસીએલની ટીમો ઘામા નાંખી ચેકીંગની કાર્યવાહી કરી રહી છે. જેમાં ત્રણ દિવસની અંદર 254 વિજ કનેકશનોમાંથી વીજ ચોરી થતી હોવાનું પકડી પાડી તમામ કનેકશન ધારકોને કુલ 45 લાખના વીજ બીલો ફટકારવામાં આવતા વીજ ચોરી કરતા તત્‍વોમાં ફફડાટ ફેલાયો છે.

ઘણા સમય બાદ વીજ વિભાગની ટીમોએ વેરાવળ-સોમનાથ શહેર-પંથકમાં વીજ ચેકિંગ અંગે સતત ત્રણ દિવસ સુઘી કાર્યવાહી કરી છે. જે અંગે વિજ અઘિકારી પાસેથી મળેલ માહિતી મુજબ પીજીવીસીએલ નિગમની રાજકોટ વડી કચેરીની સુચના મુજબ પ્રથમ દિવસે જીલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરના સોમનાથ ટોકીઝ, આરબચોક, તુરક ચોરા, કૃષ્ણનગર સહિતના વિસ્તારો તેમજ પંડવા, ઇન્દ્રોય, નાવદ્રા સહીતના ગ્રામ્‍ય વિસ્‍તારોના ગામોમાં 28 જેટલી ટુકડીઓમાં 112 અધિકારીઓ-કર્મચારીઓની ટીમએ વીજ ચેકિંગ અંગેની કાર્યવાહી કરી હતી. જેમાં 415 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યાં છે. તે પૈકી 89 વીજ જોડાણોમાંથી વીજ ચોરી થતી હોવાનું માલૂમ પડતા કુલ રૂ.18.20 લાખના બીલો ફટકારેલ હતા.

જ્યારે બીજા દિવસે વેરાવળ વિભાગીય કચેરીમાં આવતા તાલુકાના રામપરા, ખાંભા, ટોબરા, સુંદરપરા, ગાંગેથા, રંગપુર, સેમરવાવ, રમરેચી, જેપુર, ઘણેજ, ચીત્રાવડ સહીતના ગામોમાં 29 ટીમોમાં 120 કર્મચારીઓએ વીજ ચેકીંગની કામગીરી કરી 375 જેટલા વીજ જોડાણો તપાસ્યાં હતા. જે પૈકીના 85 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ હોવાનું બહાર આવતા કુલ રૂ.13.51 લાખના વીજ બીલો ફટકારેલ હતા.

ત્રીજા દિવસે વેરાવળ વિભાગીય કચેરી હેઠળના લાટી, કદવાર, હરણાસા, ઇણાજ, મોરાજ, ગોવીંદપરા, દેદા, ઊંબા, ઉકડીયા, ખેરાળી સહિતના ગામોમાં 26 ટીમોમાં 110 કર્મચારીઓએ સઘન વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કુલ 355 વીજ જોડાણો તપાસેલ તે પૈકીના 80 વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતાં કુલ 13.11 લાખના વીજ બીલો ફટકારવામાં આવેલ છે. સતત ત્રણ દિવસ સુઘી વિજ વિભાગની ટીમોએ ઘામા નાંખી વિજ ચોરી પકડવા કરેલ ચેકીંગની કામગીરીથી વિજ ચોરી કરતા તત્‍વોમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ છે.

Back to top button