ભૂપત ભાયણી બાદ ભરૂચ જિલ્લામાંથી આમઆદમી પાર્ટીના 43 કાર્યકરોએ રાજીનામાં ધરી દીધા

અમદાવાદ,15 ડિસેમ્બર 2023, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ કસ્ટડીમાં પહોંચ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાંથી પાર્ટીના 43 કાર્યકરોએ એક સાથે રાજીનામાં ધરી દીધાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો મેળવનાર પાર્ટીના કાર્યકર્તાઓ હવે લોકસભાની ચૂંટણી પહેલાં જ પક્ષ છોડી રહ્યાં છે.

પાર્ટીનો સત્તાવાર પત્ર જાહેર કરીને માહિતી આપી
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને AAP લઘુમતી પાંખના પ્રમુખ અમજદ ખાન પઠાણે પાર્ટીનો સત્તાવાર પત્ર જાહેર કરીને માહિતી આપી છે કે, ભરૂચ જિલ્લામાંથી 33 પાર્ટી કાર્યકરો અને 10 આમ આદમી પાર્ટીના પદાધિકારીઓએ તેમના રાજીનામા સુપરત કર્યા છે. રાજીનામા પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, રાજીનામું આપનારા કાર્યકરો વિધાનસભાની ચૂંટણી પછી પક્ષમાં નિષ્ક્રિય હતા. પરિણામે તેઓને નવા સંગઠનાત્મક માળખામાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ રાજીનામા પાર્ટીના લેટરહેડનો દુરુપયોગ કરીને આપવામાં આવ્યા છે. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

ભાયાણી અને વસાવા બાદ કાર્યકર્તાઓ પાર્ટી માટે સવાલ
તાજેતરમાં જ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને માર મારવાના ગુના હેઠળ પોલીસ સમક્ષ હાજર થતાં તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાજ્યમાં તાલુકા સ્તરેથી કાર્યકર્તાઓ પાર્ટી છોડી રહ્યાં છે. આ સ્થિતિમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ભાજપ સામે ડરાવવા અને ધમકાવવાનો આક્ષેપ કરી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં જ પક્ષમાં કકળાટ ઉભો થતાં અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચોઃ દેડિયાપાડા કોર્ટે AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા












