ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

41 મજૂરોને ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સમાં મોકલવામાં આવ્યા

  • ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ચિનૂક કામદારોને લઈને  ઋષિકેશ  AIIMS પહોંચ્યુ
  • કામદારોને હેલિપેડથી સીધા ટ્રોમાં સેન્ટરમાં લઈ જવામાં આવ્યા
  • AIIMSએ જણાવ્યું, તમામ કામદારો સ્વસ્થ

ઉત્તરાખંડ, 29 નવેમ્બર: 12 નવેમ્બરથી ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલની અંદર ફસાયેલા તમામ 41 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. મંગળવારે 17 દિવસના લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ કામદારો બહાર આવ્યા હતા. સિલ્ક્યારા ટનલમાંથી સુરક્ષિત રીતે બહાર આવેલા કામદારોનું પહેલા ટનલમાં બનેલી અસ્થાયી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ પછી તેમને એમ્બ્યુલન્સ દ્વારા 30-35 કિમી દૂર ચિન્યાલિસૌરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હવે આ તમામ 41 મજૂરોને ઋષિકેશ AIIMSમાં લઈ જવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાનું ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર ચિનૂક 41 કામદારો સાથે ઋષિકેશ પહોંચ્યું છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ. કામદારોને વધુ તબીબી તપાસ માટે ઋષિકેશ લાવવામાં આવ્યા છે.ઋષિકેશ AIIMSએ જણાવ્યુ છે કે, તમામ કામદારો શારીરિક રૂપે સ્વસ્થ છે.

ઋષિકેશ એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં 41 કામદારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામદારોનું વધુ મેડિકલ ચેકઅપ અહીં કરવામાં આવશે. બચાવી લેવામાં આવેલા કામદારોને 24 કલાક ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ સિવાય સરકાર કામદારો અને તેમના પરિવારો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા પણ કરી રહી છે.

કામદારોને લાવતા પહેલા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી

કામદારોને ઋષિકેશ AIIMS લાવતા પહેલા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી હતી. ડોક્ટરોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા હતા. હોસ્પિટલ પ્રશાસન દ્વારા કામદારોની ઉત્તમ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરોની 4 ટીમ બનાવવામાં આવી છે. ચિનૂકે ઋષિકેશ પહોંચતા જ હેલિપેડ પાસે જ એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી હતી. જે કામદારોને AIIMSના હેલિપેડથી સીધા જ હોસ્પિટલની ટ્રોમા ઈમરજન્સીમાં લઈ જશે.

AIIMS હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ટ્રોમા સેન્ટરના ડિઝાસ્ટર વોર્ડ અને હોસ્પિટલના અન્ય વિસ્તારોમાં તમામ મજૂરો માટે 41 પથારીઓ આરક્ષિત કરવામાં આવી છે. કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાત તબીબોની ચાર ટીમો બનાવવામાં આવી છે અને તેને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. આ ટીમોમાં ટ્રોમા સર્જન, એનેસ્થેસિયા, મનોચિકિત્સા અને સામાન્ય દવા વિભાગનો સમાવેશ થાય છે. સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ડો.મીનુ સિંઘ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે.

ધામી સરકારે 1 લાખની આર્થિક સહાયની સાથે પેઈડ લીવની જાહેરાત કરી

ધામી સરકારે તમામ 41 મજૂરો માટે પેઇડ લીવની જાહેરાત કરી છે, જેથી તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવી શકે. આ સાથે સરકારે આ મજૂરોને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ધામીએ ઉત્તરકાશીના ચિન્યાલીસૌર આરોગ્ય કેન્દ્રમાં 41 મજૂરોને મળ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું કે, તમામ કામદારો સ્વસ્થ છે અને તેમની મેડિકલ તપાસ કરવામાં આવી છે.

આ પણ વાંચો, શિયાળામાં ગોળનું સેવન ખાસ, સાથે આ પણ…

Back to top button