અંબાજી ભાદરવી પૂનમ મેળામાં રોજનું 40 લાખ લીટર અપાય છે પાણી
પાલનપુર : અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે અને પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીદાર વ્યવસ્થા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની જરૂરિયાતને પહોંચી વળવા અંબાજીમાં રોજનું 40 લાખ લીટર એટલે કે 4 MLD પાણી પુરવઠો અવિરત પૂરો પાડવામાં આવે છે.મેળામાં આવતા પદયાત્રિકો અને સેવા કેમ્પ સહિત મેળાની વ્યવસ્થામાં રોકાયેલા સ્ટાફને પીવાના પાણી સહિત વપરાશના પાણીની પુરતી સુવિધા મળે એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જુદી જુદી સમિતિઓ સહિત પાણીનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે કાર્યપાલક ઈજનેરશ્રી ડી. એમ. બુંબડીયાના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા સમિતિની રચના કરી હતી. તેમના નેતૃત્વમાં પાણી પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા અંબાજીના તમામ વિસ્તારોમાં અવિરત પાણી પુરવઠો પૂરો પડાય છે.
પીવાના પાણી સહિત વપરાશના પાણીની પુરતી વ્યવસ્થા
અંબાજી આવતા રસ્તાઓમાં ઠેર ઠેર પીવાના પાણીની વ્યાપક સુવિધાઓ જોઈને યાત્રિકો આ વ્યવસ્થાના વખાણ કરી રહ્યા છે. આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિક મદદનીશ ઈજનેરશ્રી જે. એમ. મન્સૂરીએ જણાવ્યું કે, અંબાજી અને ગબ્બર ખાતે પૂરતા પ્રેસર થી પાણી મળે એ માટે ધરોઇ જળાશય તથા લોકલ સોર્સ દ્વારા અંબાજીમાં પાઇપલાઈન મારફત રોજનું 40 લાખ લીટર પાણી પૂરું પાડવામાં આવે છે. દાંતા થી અંબાજી સુધી 13 પાર્કિંગ સ્થળે પીવાનું તથા વપરાશનું પાણી આપવામાં આવે છે. હડાદથી અંબાજી સુધી 11 પાર્કિંગ સ્થળો એ પીવાનું પાણી અને યાત્રાધામ ખાતે શેલ્ટર હોમમાં 5 જગ્યાએ 8 હજાર લીટર પાણી ટેન્કર મારફત પૂરું પાડવામાં આવે છે.
માઇભક્તોમાં સંતોષની લાગણી
તેમણે કહ્યું કે, અલગ અલગના રૂટો દ્વારા ટેન્કર મારફત હડાદથી અંબાજી, દાંતા થી અંબાજી, 5 સેવા કેમ્પો, ગબ્બર રૂટ, પોલીસ સ્ટાફને રહેવાની જગ્યા અને પોલીસ મેસ, એસ. ટી. વિભાગ તથા દિવાળી બા અને ગબ્બર ભોજનાલય ખાતે અવિરત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. અંબાજી આવતા યાત્રિકો માટે પીવાના પાણી સહિત વપરાશના પાણી પુરતી વ્યવસ્થાથી માઇભક્તો સંતોષની લાગણી અનુભવે છે.
આ પણ વાંચો : અંબાજી મેળામાં વિખુટા, ગુમ થયેલા 380 જેટલાં બાળકોનુંકરાવાયું પુનઃમિલન