બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ,દાંતીવાડા ડેમની સપાટી 591 ફૂટ પર પહોંચી
પાલનપુર:બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા દાંતીવાડા ડેમમાં અગાઉના દિવસોમાં રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદમાં પગલે બનાસ નદીમાં પાણીનો આવરો નોંધપાત્ર રહ્યો હતો. જેને લઈને ડેમની સપાટી હાલમાં 5091.55 ફૂટે પહોંચી છે. એટલે કે ડેમમાં આ વર્ષે 40 ફૂટ થી વધુ પાણી ભરાયું છે. ટકાવારીની રીતે જોઈએ તો 66.41% ડેમમાં જળસંગ્રહ થવા પામ્યો છે. ડેમમાં થયેલી ભરપૂર પાણીની આવકને લઈને ખેડૂતોના મન હરખાયા છે. ડેમ આ વર્ષે ઓવરફ્લો થાય તેવો આશાવાદ ખેડૂતો સેવી રહ્યા છે. કેમકે, આગામી તા. 23 અને 24 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે ડેમ સંપૂર્ણ ભરાય તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતને રવિ સિઝનમાં પિયત માટે પૂરતું પાણી મળી શકે તેમ છે. જે ખેતી માટે ફાયદાકારક નીવડશે. હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક 9535 ક્યુસેક થઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં આગામી તા. 22 અને 23 ઓગસ્ટના રોજ હળવા ઝાપટા થઈ શકે છે. જ્યારે 23 અને 24 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આગામી તારીખ 24 અને 25 તારીખે પણ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતનો સરેરાશ કુલ વરસાદ 97.34% નોંધાયો છે.