કાશ્મીરમાં આજથી ચિલ્લે કલાં શરૂ, જાણો શું છે તેનો અર્થ

શ્રીનગર, તા.21 ડિસેમ્બર, 2024: કાશ્મીરમાં આગામી 40 દિવસનો શિયાળાનો સૌથી આકરો સમયગાળો ચિલ્લે કલાં આજથી શરૂ થયો છે. ચિલ્લે કલાં એક ફારસી શબ્દ છે, જેનો અર્થ ‘અતિશય ઠંડી’ થાય છે. આ સમય દરમિયાન શીતલહેર તેની ટોચ પર પહોંચશે અને કાશ્મીરના પર્વતો અઠવાડિયાઓ સુધી બરફથી ઢંકાયેલા રહેશે. જાણીતું દાલ સરોવર પણ થીજી જશે.
કાશ્મીરમાં આ 40 દિવસની ભયંકર શિયાળાની મોસમને સ્થાનિક ભાષામાં ચિલ્લે કલાં કહેવામાં આવે છે. જેનો આરંભ આજથી થયો છે. કાશ્મીરીઓને આશા છે કે મેદાનોમાં વરસાદ અને બરફવર્ષા, આ સમયમાં દુષ્કાળમાંથી રાહત લાવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંશિક વાદળછાયું વાદળછાયું વાતાવરણ રહેશે અને 26 ડિસેમ્બરથી બરફ વર્ષા થઈ શકે છે.
શ્રીનગરમાં તાપમાન માઇનસ 6 ડિગ્રી સુધી ઘટી જતાં રાત્રે ઘણા વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો. દાલ સરોવરમાં પાણીનું ઉપલું સ્તર પણ થીજી ગયું હતું. તળાવ પર રહેતા સ્થાનિકના કહેવા મુજબ તળાવ થીજવાનું શરૂ થઈ ગયું છે. ઠંડી ધીમે ધીમે વધી રહી હોવાથી આગામી દિવસોમાં તળાવ સંપૂર્ણપણે થીજી જવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કાશ્મીરના તમામ મહત્વપૂર્ણ પ્રવાસનસ્થળોએ રાત્રિનું તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું છે.
કાશ્મીરનો શિયાળો ત્રણ તબક્કામાં સમાપ્ત થાય છે, જેની શરૂઆત 21 ડિસેમ્બર (ચિલ્લે કલાં) 40 દિવસની તીવ્ર ઠંડીથી થાય છે, ત્યાર બાદ વધુ 20 દિવસની ઓછી તીવ્ર ઠંડી (ચિલ્લે ખુર્દ) અને અંતે 10 દિવસની હળવી ઠંડી (ચિલ્લે બચ્ચા) થાય છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે કાશ્મીરમાં સરેરાશ વરસાદ અથવા હિમવર્ષા સાથે વર્ષના અત્યાર સુધીના મોટા ભાગ માટે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાઓ સૂકા રહ્યા હતા.
ચિલ્લે કલાં શું છે?
21 અને 22 ડિસેમ્બરની રાત્રે કાશ્મીરમાં શિયાળાની મોસમની શરૂઆત થાય એવું મનાય છે. લગભગ 40 દિવસના હવામાનને ચિલ્લે કલાં કહેવામાં આવે છે. ચિલ્લે કલાં લગભગ 40 દિવસ સુધી ચાલે છે અને પછી ચિલ્લેઈ ખુર્દ અને પછી ચિલ્લે બચ્ચાની મોસમ આવે છે.
કાશ્મીર ઘાટી ખરેખર એક ઠંડો પ્રદેશ છે. વર્ષના સાત મહિના દરમિયાન હવામાન ઠંડુ રહે છે. શિયાળાની મોસમ શરૂ થતાં જ તાપમાનમાં ઘટાડો થવાનું શરૂ થાય છે અને ધીમે ધીમે તે ઠંડું થતું જાય છે, જેનાથી સમગ્ર ખીણ શીત લહેરની ઝપટમાં આવી જાય છે. 21મી ડિસેમ્બરથી ખીણમાં શિયાળાનો સૌથી મુશ્કેલ સમયગાળો 40 દિવસના ચિલ્લે કલાંથી શરૂ થાય છે. ચિલ્લે કલાંમાં ખૂબ જ ઠંડી પડે છે. આ સમય દરમિયાન બરફ વર્ષા થાય છે. તાપમાન શૂન્યથી નીચે રહે છે જેના કારણે પાણીના તમામ સ્રોતો થીજી જાય છે.
ચિલ્લે ખુર્દમાં ચિલ્લે કલાં કરતાં ઠંડીની તીવ્રતા ઓછી હોય છે. આ સમય દરમિયાન પણ હિમવર્ષા થાય છે પરંતુ તાપમાન થોડું વધારે રહે છે. ચિલ્લાઈ ખુર્દની સમાપ્તિ બાદ 10 દિવસના ચિલ્લે બચ્ચા શરૂ થાય છે.
આ સમય દરમિયાન ઠંડી ઘટવા લાગે છે અને તાપમાન વધવા લાગે છે. ચિલ્લાઈ બચ્ચાના અંત સાથે ખીણમાં તીવ્ર ઠંડીનો 70 દિવસ લાંબો સમયગાળો જ સમાપ્ત થતો નથી, પરંતુ શિયાળાની મોસમ પણ પૂરી થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ઠંડી વધી, જાણો કયા શહેરમાં બરફીલા ઠંડા પવનથી શહેરીજનો ધ્રુજ્યા
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક – https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S