બેઇજિંગઃ ચીનમાં કોરોનાની સ્થિતિ ભયાનક છે. સરકાર જે રીતે આંકડા બતાવી રહી છે, સ્થિતિ તેનાથી તદ્દન ઉલટી છે. હોસ્પિટલમાં બેડ માટે લોકો આમતેમ ભટકી રહ્યા છે. એમ્બ્યુલન્સમાં પણ લોકોની સારવાર કરાઈ રહી છે. કોરોના વિસ્ફોટના કારણે અહીંની મેડિકલ સિસ્ટમની પોલ ખુલી ગઈ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ ચીનમાં કોરોના મહામારીની આ ભયાનક સ્થિતિ સર્જાવા પાછળ વાયરસનું કોકટેલ જવાબદાર છે. અલગ અલગ વેરિયન્ટ એકસાથે આવવાથી આ સ્થિતિ સર્જાઈ છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ BF.7 વેરિયન્ટના ચીનમાં માત્ર 15 ટકા કેસ છે, 50 ટકાથી વધારે કેસ BN અને BQના છે. આ ઉપરાંત SVV વેરિયન્ટના 15 ટકા કેસ રિપોર્ટ થયા છે. આ ચાર વેરિયન્ટ એકસાથે આવવાથી કોરોનાએ ચીનમાં આ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. લોકોની સ્થિતિ દયનિય બની ગઈ છે. કોઈ પશુઓ સાથે પણ વર્તન ન કરે તેવું વર્તન સામાન્ય લોકો સાથે થઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં દર્દીઓની લાંબી લાઈનો અને લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે.
આ તરફ કોરોના મહામારી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગનું પ્રથમવાર નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોની જિંદગી બચાવવાની દિશામાં કામ કરાશે. કોરોનાનો સામનો કરવા માટે એક દેશભક્તિપૂર્ણ હેલ્થ કેમ્પેઈન શરૂ કરવી જોઈએ. કોરોનાથી બચવા માટે કમ્યુનિટી સ્ટ્રક્ચરને મજબુત કરવી પડશે, જેનાથી લોકોની જિંગદી બચાવી શકાય.
ચીનમાં કોરોનાનીની ઝીરો કોવિડ પોલિસી હટાવ્યા બાદ આ કોરોના વિસ્ફોટ થયો છે. બીજી તરફ ચીને વિદેશથી આવતા લોકો માટે ક્વોરન્ટાઈન બંધ કરી દીધું છે.
બીજી તરફ એવા પણ સમાચાર આવ્યા છે કે ચીનના ઝેઝિયાંગ વિસ્તારમાં દરરોજ 10 લાખ કેસ નોંધાઈ રહ્યા છે. કિંગદાઓમાં દરરોજ પાંચ લાખ અને ડોંગગુઆનમાં રોજ અઢીલાખ કેસ સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 1થી 20 ડિસેમ્બરની વચ્ચે ચીનમાં 25 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
ચીનમાં સ્મશાનમાં લાંબી લાઈનો લાગી છે . ચીનની સરકારે બધુ બરાબર હોવાની વાત કરી છે. ચીનની 90 ટકા વસ્તીને વેક્સિન અપાઈ ગઈ છે. ચીનમાં કોરોનાની 13 પ્રકારની વેક્સિન ઉપલબ્ધ છે.