કુરિયર ઓફિસમાં પાર્સલ ચોરતાં 4 શખ્સો ઝડપાયા, 14 મોબાઈલ સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ, 16 ડિસેમ્બર 2023, શહેર ક્રાઈમ બ્રાંચે કુરિયરની ઓફિસમાંથી પાર્સલની ચોરી કરતાં ચાર શખ્સોને 14 મોબાઈલ સહિત ચાર લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યાં છે. ક્રાઈમ બ્રાંચે ગાંધીનગર ઈન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો પણ ઉકેલી નાંખ્યો છે. ચારેય આરોપીઓ કુરિયરની ઓફિસમાં ઓનલાઈન શોપિંગના પાર્સલોની ચોરી કરતાં હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી.જેના આધારે ચારેયને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
14 મોબાઈલ સહિત ચાર લાખ રૂપિયાનો મુ્દ્દામાલ કબજે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, ચાર શખ્સો કુરિયરની ઓફિસમાંથી પાર્સલો ચોરી કરી રહ્યાં છે.બાતમી વાળા સ્થળે પહોંચીને ક્રાઈમ બ્રાંચે ચારેયની અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાંચે મયંક સુવેરા, શિવરાજ હુરણે, કેતન ઠાકોર અને રોહિત ઠાકોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ચારેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 14 મોબાઈલ સહિત ચાર લાખ રૂપિયાનો મુ્દ્દામાલ કબજે કર્યો છે.
ચારેય આરોપીઓ કુરિયર ઓફિસમાં નોકરી કરતાં હતાં
ક્રાઈમ બ્રાંચે પકડેલા આરોપીઓમાં મયંક સુવેરા, કેતન ઠાકોર, રોહીત ઠાકોર કુરીયર બોય તરીકે તથા શીવરાજ મેનેજર તરીકે ગાંધીનગર કુડાસણ સિલીકોન વેલીમાં એનટેક્ષ ટ્રાન્સપોર્ટેશન સર્વીસ પ્રા.લિ’ નામની ફલીપકાર્ડની ઓફીસમાં નોકરી કરતા હતાં. છેલ્લા ચાર મહિનામાં આ કુરીયર ઓફીસમાં ફલીપકાર્ડ કંપનીમાં કસ્ટમરોએ ઓનલાઈન ખરીદી કરેલ મોબાઈલ ફોન તથા અન્ય ચીજવસ્તુના પાર્સલ પૈકી કેટલાક પાર્સલો મશીનમાં સ્કેન કર્યા વગર ચોરી કરી ઘરે લઈ જતા હતા. તેમણે ઓફિસમાથી પાર્સલ ચોર્યા હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓએ આ સિવાય કયા પ્રકારના ગુનાઓ આચર્યા છે તે અંગે વધુ પુછપરછ શરૂ કરી છે.