ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર માટે 4 નામ જાહેર, યાદીમાં વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ખેલાડી

નવી દિલ્હી, 29 ડિસેમ્બર: ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર માટે ચાર ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ભારતના અર્શદીપ સિંહ, પાકિસ્તાનના બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝા નૉમિની છે. હવે આ એવોર્ડ કોને મળશે? એ માત્ર સમય જ કહેશે. પરંતુ વર્ષ 2024માં જ આ ચારેય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

 

T20 વર્લ્ડ કપ 2024માં અજાયબીઓ કરી

ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડવામાં અર્શદીપ સિંહે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર હતો. તેણે કુલ 17 વિકેટ લીધી હતી. ફાઈનલમાં તેના પ્રદર્શનમાં વધુ સુધારો થયો હતો. જ્યારે તેણે 4 ઓવરમાં 20 રન આપીને 2 મહત્ત્વની વિકેટ લીધી હતી. તેણે અંતિમ મેચની 19મી ઓવરમાં માત્ર ચાર રન જ આપ્યા હતા. જેનાથી બાદમાં દક્ષિણ આફ્રિકા પર દબાણ આવ્યું અને ત્યાંથી દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 16 રનની જરૂર હતી. જે બાદ ભારતે ફાઇનલમાં 7 રનથી જીત મેળવી હતી.

વર્ષ 2024માં કુલ 36 વિકેટ લીધી હતી

છેલ્લા કેટલાક વર્ષોમાં અર્શદીપ સિંહ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી આવ્યો છે. તેણે વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાને પોતાના દમ પર ઘણી મેચોમાં જીત અપાવી છે. આ વર્ષે તેણે 18 T20I મેચ રમી છે, જેમાં તેણે 36 વિકેટ ઝડપી છે. આ ડાબા હાથના ફાસ્ટ બોલરે ટીમ ઈન્ડિયા માટે તમામ સ્થિતિમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેના શાનદાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને ICC મેન્સ T20I ક્રિકેટર ઓફ ધ યર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે.

બાબર આઝમ પાસે પણ એવોર્ડ જીતવાની તક

બીજી તરફ, બાબર આઝમે વર્ષ 2024માં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સારી બેટિંગ કરી છે. તેણે 24 મેચમાં કુલ 738 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન રહ્યો છે. તેના સિવાય અન્ય કોઈ પાકિસ્તાની બેટ્સમેન વર્ષ 2024માં 700થી વધુ T20 રન બનાવી શક્યો નથી.

વર્ષ 2024માં ઓસ્ટ્રેલિયા તરફથી રમતા ટ્રેવિસ હેડે 15 T20I મેચોમાં કુલ 539 રન બનાવ્યા છે, જેમાં 80 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે. તેણે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે સિકંદર રઝાએ વર્ષ 2024માં T20 ઈન્ટરનેશનલમાં ઝિમ્બાબ્વે માટે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 573 રન બનાવ્યા અને 24 વિકેટ પણ લીધી.

આ પણ જૂઓ: નીતીશ કુમાર રેડ્ડીના પિતા મહાન સુનીલ ગાવસ્કરના પગે પડ્યા! મેલબોર્નમાં હૃદયદ્રાવક ક્ષણ; જૂઓ વીડિયો

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button