અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અંકલેશ્વરમાં ઓવરફ્લો થયેલી ખાડીના પાણીમાં 4 ઘોડા તણાયા, બોરસદમાં 14 ઈંચ વરસાદ

અમદાવાદ, 24 જુલાઈ 2024, ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન ઠપ થઈ ગયું છે. સુરત, દ્વારકા, વડોદરા વગેરે જેવાં શહેર અને ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા વરસાદના પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી તેમને બચાવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલાખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. જેના કારણે આમલાખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 ઘોડા તણાયા  હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

પાણીના વહેણમાં 4 ઘોડા પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા
ભરૂચ જિલ્લામાં વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતાં. અંકલેશ્વર શહેરમાં પણ દીવા રોડ પરની સોસાયટીઓ, એશિયાડ નગર વિસ્તાર, ગાયત્રી મંદિર, નિરાંત નગર સહિતનો રહેણાંક વિસ્તાર વરસાદી પાણીથી પાણી પાણી થઇ ગયો હતો. મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે GIDC વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આમલાખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતા જળ બંબાકારની સ્થિતિ સર્જાય હતી. જેના કારણે આમલાખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 ઘોડા પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

પૂર્ણા નદીએ 23 ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ અને બે સંઘપ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આણંદના બોરસદમાં માત્ર 6 કલાકમાં જ 14 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના 10 તાલુકાઓમાં આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા દરમિયાન પાંચ ઈંચ કે તેથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.સંખેડામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ડી.બી.પારેખ હાઈસ્કૂલ પાસેથી પસાર થતા રસ્તા પર પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા.નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદને કારણે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની વાત કરવામાં આવે તો, 23 ફૂટની ભયજનક સપાટી વટાવી દીધી છે અને વધુ સપાટી વટાવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

બોરસદમાં 14 ઈંચ વરસાદ થયો
બીજી તરફ આણંદના બોરસદમાં ભારે વરસાદ થયો છે, ત્યારે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. બોરસદમાં 14 ઈંચ વરસાદ થયો છે. જેને પગલે બોરસદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.ઘરમાં અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લા નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં કુલ 48 ટકા વરસાદ, કચ્છમાં 75 ટકાથી વધુ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8 ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે.રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃગુજરાતમાં સૌથી વધુ 75 ટકા વરસાદ કચ્છમાં ખાબક્યો, વડોદરામાં 6 કલાકમાં 4.5 ઇંચ

Back to top button