ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ખેડાઃ આરોપીઓને જાહેરમાં ફટકારવાના કેસમાં 4 પોલીસ કર્મીને 14 દિવસની જેલ, સજાનો અમલ હાલ મોકૂફ

ખેડાઃ ખેડા  જિલ્લામાંના ઉંઢેલામાં નવરાત્રિમાં પથ્થરમારાના આરોપીઓને પોલીસ કર્મીઓએ જાહેરમાં માર માર્યો હતો. જે પછી 4 પોલીસ કર્મીઓ વિરૂધ્ધ માર મારવાનો ગુનો નોંધાયો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પોલીસ કર્મચારીઓને સજા ફટકારી છે. હાઇકોર્ટે પોલીસ કર્મચારીઓને 14 દિવસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. જોકે, ચુકાદા સામે અપીલ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે અને ત્યાં સુધી સજાનો અમલ મોકૂફ રહેશે.

ખેડામાં કેટલાક મુસ્લિમ પુરુષોને કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા જાહેરમાં દંડા માર્યાના એક વર્ષ અને 15 દિવસ પછી ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ગુરુવારે ચાર આરોપી પોલીસ અધિકારીઓને 14 દિવસની જેલની સજા સાથે 2,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. જો કે ચુકાદા સામે અપીલ કરવા માટે આરોપીઓની વિનંતીને પગલે કોર્ટે ત્રણ મહિના માટે આદેશ પર સ્ટે આપ્યો હતો. પોલીસ દ્વારા જાહેરમાં માર મારવાના કૃત્યને કોર્ટે અમાનવીય અને માનવતા વિરૂધ્ધનું ગણાવ્યું હતું. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, વ્યક્તિને જીવનનો અધિકાર છે તેમાં ગૌરવ સાથે જીવવાનો અધિકાર પણ સામેલ છે.

પોલીસ ફરિયાદ મુજબ 3જી ઓક્ટોબર, 2022 ના રોજ મધ્યરાત્રિએ 150-200 લોકોના ટોળાએ  પથ્થરમારો કર્યો હતો અને એક ગરબા કાર્યક્રમ પર હુમલો કર્યો હતો. બીજા દિવસે 4 ઑક્ટોબર 2022 ના રોજ ગામના ચોકમાં પોલીસ દ્વારા જાહેરમાં કેટલાય પુરુષોને દંડા મારવાના વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા પછી આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું. જાહિરમીયા મલેક, મકસુદાબાનુ મલેક, સહદમીયા મલેક, સકીલમીયા મલેક અને શાહિદરાજા મલેકએ પોલીસ કર્મચારીઓ સામે દંડા મારવાનો અને ગેરકાયદેસર અટકાયત કરવાનો આરોપ લગાવીને ગુજરાત હાઈકોર્ટમાં  અરજી કરી હતી.

ગુનો નોંધાયા બાદ પોલીસકર્મીઓએ કોર્ટમાં અરજી કરી હતી અને પોલીસ વિભાગમાં એક દાયકાની સેવાને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ પોલીસકર્મીઓએ વળતર આપવા અંગે પણ તૈયારી દર્શાવી હતી. જો કે આ કેસમાં ફરિયાદી સમાધાન કરવા તૈયાર જ નથી.

બીજી તરફ કોર્ટે કરેલી સજા સામે દોષિતોના વકીલ તરફથી સ્ટેની માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે સ્ટેની માગ કરવામાં આવી છે. હાઈકોર્ટે પોતાના હુકમમાં સજાની અમલવારી ઉપર ત્રણ મહિનાનો સ્ટે આપ્યો. ફરિયાદી અને પોલીસકર્મીઓ વચ્ચે સમાધાન નહિ થતાં કોર્ટે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ ખેડામાં આરોપીને થાંભલે બાંધીને માર મારવાનો મામલો , હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો

Back to top button