રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે તેની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શકયતા છે. જ્યારે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદી માહોલ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 180 તાલુકામાં વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 5.5 અને ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ થયો છે. સાથે ધરમપુરમાં 4.5 ઈંચ, ડાંગમાં 4 ઈંચ, સંખેડામાં 4 ઈંચ, તિલકવાડામાં પોણા 4 ઈંચ અને વાંસદામાં પોણા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુબિરમાં 3.5 ઈંચ, ગરુડેશ્વરમાં 3.5 ઈંચ, ઉચ્છલમાં સવા 3 ઈંચ, ખેરગામમાં સવા 3 ઈંચ અને સોજીત્રામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ચિખલી અને વઘઈમાં 3 ઈંચ, જ્યારે સિનોરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ થયો છે.
આગામી 10થી 15 જુલાઈ સુધી વરસાદની આગાહી
આગામી 10 થી 15 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. છેલ્લા ત્રણ દિવસોથી સમગ્ર રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેને લઈને રાજ્યના 228 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સતત છવાયેલો રહેશે.જેને લઈને સમગ્ર રાજ્યમાં આગામી 10 થી 15 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે.