ઉન્નાવમાં દુઃખદ દુર્ઘટના, પંખામાં વીજકરંટ લાગતાં એક જ પરિવારનાં 4 બાળકોનાં મૃત્યુ
- વીજકરંટ લાગવાથી એક જ પરિવારનાં બે પુત્ર-બે પુત્રીના મૃત્યુ થયા
- માતા-પિતાના હૈયાફાટ રૂદનથી ગામમાં માતમ છવાયો
- એકને કરંટ લાગતાં બચાવવાના પ્રયાસમાં બીજા બાળકોએ જીવ ગુમાવ્યો
ઉન્નાવ: ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક દુ:ખદ દુર્ઘટના બની હતી, જ્યાં વીજકરંટ લાગવાથી એક જ પરિવારના ચાર બાળકોનાં મૃત્યુ થયાં હતાં. જેમાં બે પુત્રો અને બે પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. ઘરમાં રાખેલા હાઈસ્પીડ પંખામાં વીજ કરંટ લાગવાથી આ બનાવ બન્યો હતો. આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. માતા-પિતાનું હૈયાફાટ રૂદન જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું
મળતી માહિતી અનુસાર, બારસગવર પોલીસ સ્ટેશન વિસ્તારના લાલમન ખેડા ગામમાં રહેતા વીરેન્દ્ર કુમાર અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. તેના ચાર બાળકો મયંક (9), હિમાંશી (8), હિમાંક (6) અને માનસી (4) ઘરમાં એકલા હતા. ચારેય બાળકો રમી રહ્યા હતા, તે દરમિયાન ઘરમાં રાખેલા પંખાને વીજકરંટ લાગ્યો અને એક બાળક તેની સાથે અથડાયું.
એકબીજાને બચાવવા જતાં વીજ કરંટ લાગ્યો
બાળકની ચીસો સાંભળીને અન્ય બાળકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને એકબીજાને બચાવવાના પ્રયાસમાં મૃત્યુને ભેટ્યા હતા. બાળકોની ચીસો સાંભળી પાડોશીઓ ઘરમાં દોડી આવ્યા પરંતુ ત્યાં સુધી ચારેય બાળકો મૃત્યુ થયાં હતા. માતા-પિતાને આ અંગે જાણ થતાં જ તેમની હાલત કફોડી બની ગઈ હતી. આ ઘટના બાદ આખા ગામમાં માતમ છવાયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
દુર્ઘટના વિશે માહિતી આપતા ઉન્નાવના સીઓ સિટી આશુતોષ કુમારે જણાવ્યું હતું કે બારસગવાર પોલીસ સ્ટેશન વિસ્તારના લાલવંત ખોયા ગામમાં રહેતા વીરેન્દ્ર કુમાર સરોજના ચાર બાળકોનું ઘરમાં રાખવામાં આવેલા હાઇ સ્પીડ પંખામાંથી વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. જેમાં બે પુત્ર અને બે પુત્રી છે. માહિતી મળતાં જ બારસગવર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વિશાખાપટ્ટનમમાં માછીમારીના બંદર પર લાગી ભીષણ આગ, 40 બોટ બળીને રાખ