ઉત્તર પ્રદેશમાં મોબાઈલ ફાટવાથી 4 બાળકોના મૃત્યુ, ભૂલથી પણ આ ભૂલ ન કરો
મેરઠ (ઉત્તર પ્રદેશ), 25 માર્ચ: હોળી પહેલા ઉત્તર પ્રદેશમાં એક ઘરમાં દર્દનાક ઘટના બની છે. આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં ચાર બાળકોના મૃત્યુ થયા છે અને માતા-પિતાની હાલત ગંભીર છે. આ ઘટના પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની જનતા કોલોનીમાં બની હતી. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી.
મળતી માહિતી મુજબ રૂમમાં ઈલેક્ટ્રીકલ બોર્ડ હતું અને મોબાઈલ ચાર્જિંગ પર હતો. અચાનક વીજ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં તણખા નીકળ્યા હતા. આ પછી સ્પાર્કને કારણે પલંગ પરના ફીણના ગાદલામાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ આખો રૂમ આગની લપેટમાં આવી ગયો હતો. આ પછી પતિ-પત્નીએ પોતાના બાળકોની સાથે પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે આગમાં ખરાબ રીતે દાઝ્યા હતા. આ પછી નજીકમાં રહેતા લોકોએ તેમને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી, તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાળકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ, નિહારિક અને કાલુનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને બાકીના બધાની સારવાર ચાલી રહી હતી, પરંતુ સવાર સુધીમાં આગમાં દાઝી ગયેલા અન્ય બે બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. પતિ-પત્નીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
પરિવારે જણાવ્યું કે આગ મોબાઈલના કારણે લાગી હતી
પરિવારના સભ્ય સંજીવે જણાવ્યું કે મોબાઈલ ચાર્જિંગ પર હતો અને તે અચાનક ફાટ્યો. આ પછી આખો પરિવાર દાઝી ગયો હતો. વિસ્તારના લોકોનું કહેવું છે કે અચાનક વિસ્ફોટ થયો અને તે પછી ઘરમાં આગ લાગી ગઈ. આ પછી બધા એક-બીજાને બચાવવા અહીં-તહીં દોડ્યા અને દાઝી ગયા હતા.
આ ભૂલ ક્યારેય ન કરો
સ્માર્ટફોન યુઝર્સ ઘણીવાર કેટલીક સામાન્ય ભૂલો કરે છે, જેના કારણે તેમનો મોબાઈલ અથવા ચાર્જ બ્લાસ્ટ થઈ જાય છે. જેના કારણે તેમના ઘરમાં આગ લાગી શકે છે. આજે અમે તમને એવી જ કેટલીક સેફ્ટી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ફક્ત ઓરિજિનલ ચાર્જનો જ ઉપયોગ કરો
સ્માર્ટફોનમાં આગ લાગવા પાછળનું કારણ અન્ય કંપનીઓના વધુ વોટેજવાળા ચાર્જર્સ છે. ઘણીવાર હાઈ પાવર ચાર્જ પણ મોબાઈલની બેટરીને ઝડપથી ગરમ કરે છે, જેના કારણે તે વિસ્ફોટ થાય છે. તેથી માત્રને માત્ર ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો.
લોકલ બેટરી લગાવવી મોંઘી પડશે
જો તમે તમારા સ્માર્ટફોનમાં લોકલ બેટરી વગેરેનો ઉપયોગ કરો છો તો તે વિસ્ફોટ થવાની સંભાવના વધારે છે. ઘણી વખત લોકો રુપિયા બચત કરવાના મોહમાં સસ્તી બેટરીઓ લગાવે છે, જેના કારણે પણ ફોન ફાટવાની સંભાવના ઘણી વધી જતી હોય છે. તો બને ત્યાં સુધી ક્યારેય ચાલુ એટલે કે લોકલ બેટરી ન લગાવવી જોઈએ.
આ પણ વાંચો: જો તમારો સ્માર્ટફોન પાણીમાં પડી જાય તો ભૂલથી પણ આ કામ ન કરતા