કોલેસ્ટ્રોલથી દર વર્ષે મૃત્યુ પામે છે 44 લાખ લોકો, આટલું રાખો ધ્યાન
- તમારું લિવર કાં તો કોલેસ્ટ્રોલ જાતે બનાવે છે અથવા તમે જે ખાઓ છો અને પીઓ છો તેમાંથી તે એકઠું થાય છે. શરીરને સ્વસ્થ રહેવા માટે કોલેસ્ટ્રોલની જરૂર હોય છે
વધતું કોલેસ્ટ્રોલ આરોગ્યની ગંભીર સમસ્યા બની રહ્યું છે. કોલેસ્ટ્રોલ એ તમારા લોહીમાં જોવા મળતો મીણ જેવો પદાર્થ છે. તમારું લિવર કાં તો કોલેસ્ટ્રોલ જાતે બનાવે છે અથવા તમે જે ખાઓ છો અને પીઓ છો તેમાંથી તે એકઠું થાય છે. શરીરને સ્વસ્થ રહેવા માટે કોલેસ્ટ્રોલની જરૂર હોય છે, પરંતુ જ્યારે તેનું સ્તર વધે છે ત્યારે તે અનેક ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.
જો શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો તેનાથી હૃદયરોગ, સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન (WHF) અનુસાર, હાઈ કોલેસ્ટ્રોલથી દર વર્ષે 44 લાખ લોકો મૃત્યુનું પામે છે, જે કુલ મૃત્યુના 7.8% છે. તો જાણો કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાયો શું છે. WHF મુજબ, સ્ટેટિન જેવી કેટલીક દવાઓ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અથવા તેના નુકસાનને રોકવામાં મદદ કરી શકે છે, પરંતુ તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરીને પણ કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો.
કોલેસ્ટ્રોલનું લેવલ આટલું હોવું જોઈએ
બેડ કોલેસ્ટ્રોલનું લેવલ 100 mg/dlથી ઓછું હોવું જોઈએ
ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ 60 mg/dlથી વધુ હોવું જોઈએ.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ ખાવ
સફરજન
સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં આવે છે. સવારે ઉઠીને ખાલી પેટે સફરજનનું સેવન કરવું જોઈએ. સફરજન ખાવાથી બ્લડનો ફ્લો વધે છે. જે વ્યક્તિ કોલેસ્ટ્રોલના લેવલને ધટાડવા ઈચ્છતી હોય તેણે રોજ ખાલી પેટે એક સફરજનનું સેવન કરવું જોઈએ.
ઓટમીલ
સવારના નાસ્તામાં ઓટ્સ ખાવા શરીરના આરોગ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તમે તેમાં ઘણા બધા ફ્રૂટ્સ પણ નાંખી શકો છો. તે તમારી પાચનક્રિયાને યોગ્ય રાખે છે અને લાંબા સમય સુધી તમને પેટ ભરાયેલું હોવાનો અહેસાસ થાય છે.
ઈંડા
ઈંડામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ મળી આવે છે. તેમાં રહેલું હાઈ પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ કોલેસ્ટ્રોલના લેવલને મેઈન્ટેન રાખે છે. કોશિશ કરો કે ઈંડા ખાતી વખતે તેનો પીળો ભાગ વધુ ન ખાવ.
એવોકાડો
એવોકાડોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જે સારા કોલેસ્ટ્રોલને વધારે છે. સવારના નાસ્તામાં એવોકાડોનું સેવન કરવાથી લાંબો સમય પેટ ભરેલું રહે છે.
બેરીઝ
બેરીઝ એન્ટી ઓક્સિડન્ટ અને સોલ્યુબલ ફાઈબરથી ભરપૂર હોય છે. જે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. તમે તેની સ્મુથી બનાવીને પણ પી શકો છો.
ગ્રીક યોગર્ટ
પ્રોટીન અને પ્રોબાયોટિક્સથી ભરપૂર ગ્રીક યોગર્ટ તમારા પેટ માટે બહેતર માનવામાં આવે છે. સાથે સાથે તે કોલેસ્ટ્રોલ લેવલને પણ ઘટાડવામાં મદદ કરે છે.
આ ન કરો
મીઠાનું સેવન ઓછું કરો
તમારા જમવામાં એ વસ્તુઓને ઘટાડી દો, જેમાં વધારે મીઠાનો ઉપયોગ થયો હોય. જમવામાં ફળ અને શાકભાજી તેમજ સાબુત અનાજનો ઉપયોગ વધુ કરો.
એનિમલ ફેટથી બચો
તમારા ખોરાકમાં માંસનો ઉપયોગ ન કરો. તેમાં મળી આવતું ફેટ કોલેસ્ટ્રોલની માત્રાને ઝડપથી વધારે છે. તેના બદલે હેલ્ધી ફેટ વાળી વસ્તુઓનું સેવન કરો. વજન પર કન્ટ્રોલ કરો.
સ્મોકિંગ, દારુ અને સ્ટ્રેસથી રહો દૂર
કોલેસ્ટ્રોલથી બચવા માટે તમારે સ્મોકિંગથી બચવું જોઈએ. રોજ કમસેકમ 30 મિનિટ એક્સર્સાઈઝ કરવી જોઈએ. આ ઉપરાંત દારૂથી દૂર રહેવું જોઈએ. તણાવથી બચવું જોઈએ.
આ પણ વાંચોઃ ઈન્સ્યુલિન શું હોય છે, શરીરની અંદર કેવી રીતે બને છે અને ડાયાબિટીસથી બચવા કેમ છે જરૂરી?