ઊર્જા વિભાગની વિવિધ કંપનીઓમાં 394 નવા જુનિયર ઈજનેરો જોડાયા
- CM ભુપેન્દ્ર પટેલે નવનિયુક્ત ઇજનેરોને નિમણૂક પત્રો એનાયત કર્યા
ગાંધીનગર, 23 ઓક્ટોબર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઊર્જા વિભાગની ચાર વીજ વિતરણ કંપનીઓમાં નવી નિમણૂક પામેલા ૩૯૪ જુનિયર ઈજનેરોને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યની ઊર્જા ટીમમાં નવી નિમણૂક પામી રહેલા આ યુવા ઇજનેરોની કાર્યકુશળતાથી ઊર્જા ક્ષેત્ર વધુ દીપી ઉઠશે તેવી અપેક્ષા આ તકે વ્યક્ત કરી હતી.
દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્રાન્સપેરન્સીથી ભરતી માટેની એક સિસ્ટમ ઊભી કરી છે. આના પરિણામે નાનામાં નાના, છેવાડાના, યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને સરળતાથી સરકારી સેવામાં જોડાવાની તક મળે છે. ઊર્જા સેક્ટર જેવા સમાજના અગત્યના ક્ષેત્રમાં વિઝનરી નેતૃત્વ કેવો બદલાવ લાવી શકે છે તેનું દ્રષ્ટાંત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિગ્રામ યોજના, સોલાર પાર્ક, સોલાર રૂફટોપ, કિસાન સૂર્યોદય, પી.એમ. સૂર્યઘર મુફ્ત વીજળી યોજના જેવી યોજનાઓના સફળ અમલથી પૂરું પાડ્યું છે એની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.
મુખ્યમંત્રીએ નવનિયુક્ત યુવા ઇજનેરોને પ્રેરણા આપતા ઉમેર્યું કે, લોકોની પાયાની જરૂરિયાત એવી વીજળી-ઊર્જા સાથે સંકળાઈને જે જનસેવાની તક તમને મળી છે તેને તમારી વીજ કંપનીના કાર્યદક્ષ વ્યાપથી વધુ વિસ્તારજો. રાષ્ટ્ર હિત, રાજ્ય હિત હૈયે રાખીને કાર્યરત રહેવા સાથે ઊર્જા કર્મીઓ વાવાઝોડા, વરસાદ, પૂર જેવી કપરી સ્થિતિમાં જીવના જોખમે ખડે પગે રહીને લોકોના ઘરોમાં અજવાળું પાથરે છે તે માટે તેમણે સમગ્ર ઊર્જા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આવી ટીમની કાર્યકુશળ ઊર્જા અને જનસેવા પ્રતિબદ્ધતાથી જ ગુજરાત ઊર્જાવાન બન્યું છે. આપણે સૌએ સાથે મળીને કર્તવ્યરત રહી ૨૦૪૭ના વિકસિત ભારત માટે વિકસિત ઊર્જાવાન ગુજરાતનું નિર્માણ કરવાનું છે તેવું આહવાન પણ તેમણે નવનિયુક્ત યુવા ઇજનેરોને શુભેચ્છાઓ પાઠવતા કર્યુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે PGVCLની નવનિર્મિત આટકોટ સબ-ડિવિઝન ઑફિસ, રાજકોટ ખાતે GETCOના વાજડી ટ્રેનિંગ સેન્ટર, SLDCના નવા રિન્યુએબલ એનર્જી મેનેજમેન્ટ બિલ્ડિંગ તેમજ GETCOના ૭ નવા સબ-સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ E-CGRF પોર્ટલ, GUVNLની “ઊર્જા સંવાદ” મેગેઝિન તેમજ બુકલેટનું પણ લોન્ચિંગ કર્યું હતું.
આ પણ વાંચો :- તુર્કીની રાજધાની અંકારામાં જોરદાર વિસ્ફોટ, ત્રણ આતંકીઓ સતત ફાયરિંગ, અનેકના મૃત્યુની આશંકા