- પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખનું મોટું નિવેદન
- બેંગ્લોર ખાતે ઇવેન્ટમાં આપ્યું નિવેદન
- ભાજપ ઉપર કર્યા આકરા પ્રહાર
- G20ને BJP એ પોતાની ઇવેન્ટ બનાવી દીધાનો આરોપ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જ્યાં સુધી ખીણમાં કલમ 370 પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી તેઓ કોઈ ચૂંટણી લડશે નહીં. આ સિવાય તેમણે એમ પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બહુમતી રાજ્ય છે. આ સાથે જ તેમણે જી-20 સમિટને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પહેલા માત્ર પાકિસ્તાન જ જમ્મુ અને કાશ્મીરના મામલામાં દખલ કરતું હતું. હવે ચીન પણ આવું જ કરી રહ્યું છે. તેણીએ તેને કલમ 370 નાબૂદનું પરિણામ ગણાવ્યું છે.
ભાજપ ઉપર મુફ્તીના પ્રહાર
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું છે કે G-20 સમગ્ર દેશની ઇવેન્ટ છે પરંતુ ભાજપે તેને હાઇજેક કરી લીધી છે. બેંગલુરુમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, તેઓએ G20 લોગોને કમળના ફૂલથી બદલ્યો છે. આ લોગો દેશ સાથે જોડાયેલો હોવો જોઈએ. આ સમગ્ર દેશની ઇવેન્ટ છે, પરંતુ ભાજપે તેને હાઇજેક કરી લીધી છે. આ કોઈ પાર્ટી ઈવેન્ટ નથી. આ સાર્ક દેશોનું સંમેલન છે.
370 નાબૂદ કરવાથી રાજ્યનું વિભાજન થયું
વધુમાં મહેબૂબા મુફ્તીએ બેંગલુરુમાં કહ્યું હતું કે, ચીન હવે જમ્મુ અને કાશ્મીરના મામલામાં દખલ કરી રહ્યું છે, જ્યારે પહેલા માત્ર પાકિસ્તાન જ આવું કરતું હતું. આ બીજેપી દ્વારા કલમ 370 નાબૂદ કરવાનું પરિણામ છે. વધુમાં ઉમેર્યું છે કે જ્યાં સુધી કલમ 370 પુનઃસ્થાપિત નહીં થાય ત્યાં સુધી હું વિધાનસભા ચૂંટણી નહીં લડું, પરંતુ મારી પાર્ટી ચૂંટણી લડશે. જમ્મુ-કાશ્મીરને ખુલ્લી જેલ ગણાવતા તેમણે કહ્યું કે અમારા બધાના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જો પૂર્વ મુખ્યમંત્રીના પરિવાર સાથે આવું થઈ શકે તો કોઈની સાથે પણ થઈ શકે છે. મહેબૂબાએ કહ્યું, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું, પરંતુ કલમ 370 નાબૂદ કરવાથી રાજ્યનું વિભાજન થયું અને તેને બિનકાર્યક્ષમ બનાવી દીધું.