અમદાવાદગુજરાત

રાજ્યમા 1604 ગરીબ કલ્યાણ મેળામાં 36800 કરોડની સહાય અપાઈ, સપ્ટેમ્બરમાં 14મી કડી યોજાશે

  • રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે
  • ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી 125 કરોડની ગુણવત્તાયુક્ત કીટ્સનું વિતરણ થશે

ગાંધીનગર, 08 ઓગસ્ટ 2024, રાજ્યના ગરીબ વર્ગો અને અંતરિયાળ વિસ્તારોના વંચિત લોકો સુધી સરકારની કલ્યાણ યોજનાઓના લાભ હાથો હાથ પહોંચાડતા ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે. દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન રાજ્ય સરકાર દ્વારા થવાનું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી સપ્ટેમ્બર-2024માં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે 90 હજારથી વધુ લાભાર્થીઓને 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધનસહાય કીટ્સનું પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કર્યા છે. આ ઉપરાંત સરકારની યોજનાઓની જાણકારી આ મેળાના સ્થળે જરૂરતમંદ લોકોને મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ્સ ઊભા કરવાનું સૂચન કર્યું છે.

1.66 કરોડ લાભાર્થીઓને સહાય આપવામાં આવી
ગરીબ કલ્યાણ મેળાની 13 કડીમાં 1604 આવા મેળાઓ દ્વારા 36,800.90 કરોડ રૂપિયાની સહાય 1.66 કરોડ લાભાર્થીઓને પહોંચાડવામાં આવી છે.આ ગરીબ કલ્યાણ મેળામાં વ્યક્તિલક્ષી યોજનાઓ, માનવ ગરીમા યોજના, કુંવરબાઇનું મામેરૂ, ડો. આંબેડકર આવાસ યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના, વન સંરક્ષણ અને વિકાસની યોજના, નિર્ધુમ ચૂલા, વૃક્ષ ખેતી યોજના, વિકેંદ્રિત પ્રજા નર્સરી, વ્યક્તિગત આવાસ યોજના, વ્હાલી દીકરી યોજના, ખેતીવાડી યોજના, પશુપાલન વિભાગની યોજના, બાગાયત વિભાગની યોજના, માનવ ક્લ્યાણ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મા અમૃતમ યોજના, મિશન મંગલમ યોજના વગેરેના લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.

સરકારના સંબંધિત વિભાગોએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી
આવા ગરીબ કલ્યાણ મેળા યોજાવાના પરિણામે વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા જિલ્લા કક્ષાએ કરવા સુદ્દઢ વ્યવસ્થા ઊભી થઇ છે. આવી સઘન સમીક્ષા પ્રક્રિયાના કારણે જિલ્લાના જે આંતરિયાળ વિસ્તારો લાભોથી વંચિત રહી જતા હોય તે વિસ્તારો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે.ગરીબ કલ્યાણ મેળા દરમ્યાન લાભાર્થીઓ, અન્ય લાભાર્થીઓ તથા અમલીકરણ કચેરીઓ સાથે સંપર્કમાં આવવાના કારણે તેમને અન્ય યોજનાઓની પણ જાણકારી ઘરઆંગણે મળતી થઈ છે. લાભાર્થીને કચેરીના બિનજરૂરી ધક્કા ખાવા નથી પડતા તેમ જ તેમના નાણાં અને સમયનો વ્યય અટકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી સપ્ટેમ્બરમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ સફળ બનાવવા માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોએ પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે IACCના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSMEનું લોન્ચિંગ કર્યુ

Back to top button