અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં બે વર્ષમાં 366 લાંચિયા અધિકારીઓ પકડાયા, જાણો સૌથી વધુ કયા વિભાગના

Text To Speech

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. ACBની કાર્યવાહીમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચારને રંગેહાથે પકડીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. ત્યારે ACBએ છેલ્લા બે વર્ષમાં સરકારી તંત્રમાં લાંચ માંગતા 366 લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

વર્ગ એકથી ચારના 366 લાંચિયા અધિકારીઓ ઝડપાયા
ગુજરાત વિધાનસભામાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા વર્ગ એકથી વર્ગ ચારના કેટલા કર્મચારીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કર્મચારીઓ અને અધિકારીઓ કયા વિભાગના છે. ગેનીબેનના આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2023 સુધીમાં વર્ગ એકથી ચારના 366 લાંચિયા અધિકારીઓને ઝડપીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સૌથી વધુ ગૃહ વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી
વિધાનસભામાં સરકારે આપેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ગૃહ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા પકડાયા છે. બે વર્ષમાં 109 અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બીજા નંબરે મહેસૂલ વિભાગ આવે છે જેમાં 40 અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં 37, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં 36 અને કેન્દ્ર સરકારના વિભાગોમાં 22 અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃઅમદાવાદ ટ્રાફિક પોલીસે બે વર્ષમાં 20 લાખ ઈ મેમો મોકલ્યા, દંડ પેટે 100 કરોડ વસૂલાયા નથી

Back to top button