દ્વારકામાં 36 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ, જૂઓ ઘટનાનો વીડિયો
દ્વારકા, 2 ઓક્ટોબર : દેવભૂમિ દ્વારકામાં બુધવારે બપોરે એક 36 વર્ષીય વ્યક્તિને કામ પર પહોંચ્યા પછી તરત જ હાર્ટ એટેક આવ્યો હતો. આ દુ:ખદ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી કારણ કે તે તેના ડેસ્ક પર બેઠા પછી થોડી જ સેકન્ડોમાં પડી ગયો હતો.
મળતી માહિતી મુજબ, હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ઓફિસની અંદર સમી સાંજે એક યુવક પ્રવેશ કરે છે અને સામેના ટેબલ ખુરશી ઉપર બેસે છે ત્યારબાદ લગભગ 10 સેકન્ડની અંદર જ તે ઢળી પડે છે. જેથી તેની સાથે કામ કરતા લોકોને જ્યારે ખબર પડે છે ત્યારે તેઓ ત્યાં પહોંચે છે તો તેને જોઈ તપાસતા તે મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળે છે.
દરમિયાન આ બનાવમાં તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવતા તબીબોએ તેને હાર્ટ એટેક આવી ગયાનું તારણ આપે છે. જો કે દુઃખદ બાબત એ હતી કે યુવાનની ઉંમર માત્ર 36 વર્ષની હતી. આ વીડિયો દ્વારકા પંથકનો હોવાનું કહેવામાં આવે છે.
આ પહેલા ગયા મહિને ગુજરાતના વલસાડ જિલ્લામાં તેના પુત્રના 5માં જન્મદિવસની ઉજવણી દરમિયાન હૃદયરોગના હુમલાને કારણે માતાનું મૃત્યુ થયું હતું. વાપીની એક હોટલમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન આ ઘટના બની હતી. હૃદય હચમચાવી નાખે તેવું દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. ઉજવણી ચાલી રહી હતી ત્યારે માતા અચાનક સ્ટેજ પરથી પડી ગયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, બર્થડે બોય 5 વર્ષનો ગૌરિક, તેની માતા યામિનીબેન અને પિતા સાથે સ્ટેજ પર હતો. અચાનક યામિનીબેન ફસડી પડ્યા હતા. તેના નજીકના લોકો તેની મદદ કરવા આવતા વીડિયોમાં દેખાઈ રહ્યા હતા જો કે તપાસ બાદ ડોક્ટરોએ યામિનીબેનને મૃત જાહેર કર્યા હતા.