પંજાબમાં PGI પ્રશાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 100મો એપિસોડ ન સાંભળવા બદલ નર્સિંગ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે. આ મામલામાં નર્સિંગ ઈન્સ્ટિટ્યૂટની 36 વિદ્યાર્થિનીઓને હોસ્ટેલની બહાર ન જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનીઓને એક સપ્તાહ સુધી સાંજે 5 થી 8 વાગ્યા સુધી હોસ્ટેલમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. પીએમના ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવા માટે સંસ્થામાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ભાગ ન લેવાના કારણે જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. PGIના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશનના આચાર્ય સુખપાલ કૌરે સંસ્થા દ્વારા આ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : પાવાગઢમાં ફરી એક દુર્ઘટના, વધુ એક વખત વિશ્રામ કુટીરનો ભાગ ધરાશાયી
નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટે માત્ર તે જ વિદ્યાર્થિનીઓને કહ્યું હતું, જે કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં રહે છે, તેમને ‘મન કી બાત’ કાર્યક્રમમાં ભાગ લેવા જણાવ્યું હતું. આ બાબતે પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ મનોજ લુબાનાએ જણાવ્યું હતું કે મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ સફળ થાય તે માટે ટીવી ચેનલો, ખાનગી રેડિયો સ્ટેશનો અને કોમ્યુનિટી રેડિયો, થિયેટરો સહિત એક હજારથી વધુ સંચાર સેવાઓ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું. રજાના દિવસે વિદ્યાર્થીઓને તેમના મનની વાત સાંભળવા શાળા-કોલેજોમાં બળજબરીથી બોલાવવામાં આવ્યા હતા. મનોજ લુબાનાએ તેમની સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે નર્સિંગની વિદ્યાર્થિનીઓ પર જે કાર્યવાહી કરવામાં આવી છે તે નિંદનીય છે. ઉલ્લેખનીય છે કે આજે ‘વિશ્વ નર્સિંગ’ દિવસ છે.