ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

એક જ ઘરમાં 350 મતદાર? આવું કદી જોયું-સાંભળ્યું નહીં હોય, જાણો અહીં આશ્ચર્યજનક પરિવાર વિશે

  • તમે પરિવાર વિશે તો ધણું બધુ સાંભળ્યું હશે. કોઈ પરિવાર નાનો હોય તો કોઈ પરિવાર મોટો હોય. પરંતુ આસામનો આ એક પરિવાર 12,00થી વધુ લોકોનો છે, આ પરિવારમાં 350 જેટલા તો મતદારો છે. ચાલો તેમના વિશે જાણીએ

આસામ, 15 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ઘણી એવી બાબતો પ્રકાશમાં આવી રહી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આસામમાં એક અનોખો પરિવાર મળી આવ્યો છે. આ પરિવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પરિવારમાં 350 જેટલા મતદારો છે અને આ પરિવાર માટે ચૂંટણી ખાસ છે. હકીકતમાં, આસામના સોનિતપુર જિલ્લાના ફુલોગુરી નેપાળી પામના સ્વર્ગસ્થ રોન બહાદુર થાપાનો પરિવાર સમગ્ર દેશમાં એક અનોખો પરિવાર છે. આ એટલા માટે છે કારણ કે આ સમગ્ર પરિવાર તેના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સૌથી મોટા પરિવારોમાંનો એક છે.

1200 સભ્યો ધરાવતો અનોખો પરિવાર

લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે છે અને આસામ જિલ્લાનો આ અનોખો પરિવાર રંગપરા વિધાનસભા મતવિસ્તાર અને સોનિતપુર સંસદીય મતવિસ્તારમાં આવે છે. આ પરિવારના તમામ સભ્યો 19મી એપ્રિલે સોનિતપુર લોકસભા ક્ષેત્રમાં મતદાન કરશે. આ પરિવારમાં રોન બહાદુર થાપાને 12 દીકરા અને 9 દીકરીઓ છે. તેમને પાંચ પત્નીઓ હતી. રોન બહાદુરના 150 થી વધુ પૌત્ર-પૌત્રો પણ છે. એકંદરે 1200 સભ્યોના આ પરિવારમાં લગભગ 350 સભ્યો લોકસભાની ચૂંટણીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

પરિવારના 350 લોકો મતદાન કરશે

નેપાળી પામ ગામના ગ્રામ્ય વડા અને સ્વર્ગસ્થ રોન બહાદુરના પુત્ર તિલ બહાદુર થાપાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, “તેમના સમગ્ર પરિવારમાં લગભગ 350 લોકો મતદાન કરવા માટે પાત્ર છે.” તેણે કહ્યું, “મારા પિતા 1964માં મારા દાદા સાથે અહીં આવ્યા હતા અને અહીં સ્થાયી થયા હતા. મારા પિતાને પાંચ પત્નીઓ હતી અને અમે 12 ભાઈઓ અને 9 બહેનો હતા. આ તમામના બાળકો 56 હતા, હવે એમના કેટલા બાળકો છે એ મને ખબર નથી, પરંતુ આ ચૂંટણીમાં અમારા પરિવારમાંથી લગભગ 350 સભ્યો મતદાન કરવા માટે પાત્ર છે. જો અમે દરેકના બાળકોની ગણતરી કરીએ તો અમારા પરિવારના કુલ સભ્યો 12,00થી વધુ થશે.”

બાળકોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું પરંતુ સરકારી નોકરી ન મળી

જો કે, તેમણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે, ‘અમારા પરિવારને હજુ સુધી રાજ્ય કે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો નથી.’ તેમણે વધુમાં કહ્યું કે, “અમારા બાળકોએ ઉચ્ચ શિક્ષણ તો મેળવ્યું, પરંતુ તેમને કોઈ સરકારી નોકરી ન મળી, ત્યાર બાદ અમારા પરિવારના કેટલાક સભ્યો બેંગલુરુ જતા રહ્યા અને ત્યાં જઈને ખાનગી નોકરીઓ કરવા લાગ્યા, તો કેટલાક દૈનિક વેતન મજૂર તરીકે કામ કરી રહ્યા છે. હું 1989 થી ગામના ગ્રામ્ય વડા તરીકે કામ કરી રહ્યો છું, મારે 8 પુત્રો અને 3 પુત્રીઓ છે.”

9 વિધાનસભા મતવિસ્તારોથી બનેલી સોનિતપુર લોકસભા બેઠક પર 16.25 લાખથી વધુ મતદારો છે. આસામમાં 14 લોકસભા બેઠકો છે. તે ત્રણ તબક્કામાં એટલે કે 1. 19 એપ્રિલ, 2. 26 એપ્રિલ અને 7 મેના રોજ મતદાન થશે.

આ પણ વાંચો: 98 વખત ચૂંટણી હારી ગયેલા વ્યક્તિએ ફરી 2 જગ્યાએથી નોંધાવી ઉમેદવારી

Back to top button