ગાંધીનગર, 23 ઓગસ્ટ 2024, વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે
કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે,જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે ૧.૫૦ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે.
ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. ૩૫૦૦ ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.
રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો:
(૧) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ.૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૨,૫૦૦ સહાય મળી કુલ રૂ. ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૨) વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૫,૦૦૦ સહાય મળી કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
આ પણ વાંચોઃદારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી થશે, નાણાં ગરીબોની યોજનાઓ પાછળ ખર્ચાશે