ગુજરાતમધ્ય ગુજરાત

મરેંગો સિમ્સ હોસ્પિટલમાં 35 વર્ષનો યુવક બ્રેઇન ડેડ થતા પરિવારે અંગદાન કરી 4 વ્યક્તિઓની જિંદગી બચાવી

Text To Speech

અમદાવાદઃ અમદાવાદના એક પરિવારે જુવાન દીકરો ગુમાવ્યાના દુઃખથી પર ઉઠીને અને ત્યારબાદ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદના 35 વર્ષના જયેશભાઈ પટેલ કારખાનામાં કામ કરતા હતા. કામ કરતી વખતે તે અચાનક જ પડી ગયા. સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ગયા બાદ છેવટે તેમને મરેંગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

પરિવારે તેમના દુ:ખ અને વેદનાથી ઉપર ઊઠીને માનવતા અપનાવી અને પરિવારના મૃતક સભ્યના અંગોનું દાન કરીને ચાર જીવન બચાવ્યા હતા અને એકની દ્રષ્ટિ પુનઃસ્થાપિત કરી. માનવતામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે આ પરિવારે અપાર હિંમત દર્શાવી. મૃતકના શરીરમાંથી એક કિડની, બે ફેફસાં, બે કોર્નિયા અને એક લિવર લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ચાર રાજ્યોમાં દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

મરેંગો એશિયા હેલ્થકેરના ફાઉન્ડિંગ મેમ્બર, એમડી અને સીઈઓ ડૉ. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, ‘મરેંગો એશિયા હેલ્થકેર દર્દીના એ પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે કે, જેમણે તેમના ગંભીર દુઃખથી આગળ વધીને અન્ય દર્દીઓ વિશે વિચાર કર્યો, જેમના જીવન તેમના પરિવારના મૃતકના અંગદાનથી બચાવી શકાય છે. પરિવારના મૃતક વ્યક્તિના અંગો દાન કરીને અનેકના જીવ બચાવવા માટે પોતાના દુઃખો ત્યજીને આગળ આવનારા આવા પરિવારો પ્રત્યે અમે કૃતજ્ઞતા દર્શાવીએ છીએ. અંગદાનના અભાવે દર વર્ષે ઘણા દર્દીઓ મૃત્યુ પામે છે. અંગ દાન ભારતમાં દર વર્ષે 5,00,000 જીવન બચાવી શકે છે. જ્યારે પરિવારો આવા માનવતાવાદી કૃત્ય સાથે આગળ આવે છે ત્યારે અંગ દાનની પ્રવૃત્તિમાં વધારો થાય છે. અમે લોકોને આવા માનવતાવાદી કાર્યોનો ભાગ બનવા પ્રોત્સાહિત કરીએ છીએ જે દર વર્ષે હજારો લોકોના જીવન બચાવી શકે છે.’

મરેંગો સિમ્સ હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર ડો. પ્રશાંત દેશમુખે જણાવ્યું હતું કે, ‘ગુજરાત રાજ્ય તેની ઉદારતા અને સામાજિક સંવાદિતા માટે વિખ્યાત છે. જયેશભાઈના પરિવારની આ પહેલ તેનો પુનરોચ્ચાર કરે છે. અમે આ નિઃસ્વાર્થ પહેલ માટે ખૂબ જ કૃતજ્ઞ છીએ. મરેંગો સિમ્સ અંગદાન પહેલ માટે પ્રતિબદ્ધ છે અને જે લોકો અંગદાન માટે આગળ આવવા માંગતા હોય તેમને મદદ પૂરી પાડવા માટે હંમેશા તૈયાર છે.’

મૃતકના પરિવારે જણાવ્યું હતું કે, ‘અંગદાનની પહેલથી અનેક લોકોના જીવ બચાવી શકાય છે. જે લોકોને નંદકિશોરના અંગો મળ્યા છે તેમના થકી પણ તે જીવતો રહેશે તે હકીકત સમજ્યા પછી અમે આ કાર્ય માટે પ્રોત્સાહિત થયા હતા.’

Back to top button