અમદાવાદ, 3 માર્ચ: અમદાવાદ શહેરના આશ્રમ રોડ પાસે આવેલા દિનેશ હોલ ખાતે નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ, મેમનગર ગામનાં 31 માં એન્યુઅલ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35થી વધુ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ ગ્રુપ ડાન્સ અને સોલો ડાન્સનું પરફોર્મન્સ કર્યું હતું.
અહીં જૂઓ વીડિયો:
View this post on Instagram
અમદાવાદમાં 31 વર્ષથી કરે છે સેવા
અમદાવાદ શહેરમાં 31 વર્ષથી સતત કાર્યરત એવા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક નિલેશભાઈ પંચાલ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 1994ની સાલમાં નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓની સેવાના હેતુથી કરવામાં આવી હતી. મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓની સેવા કરવાનો વિચાર નિલેશભાઈ પંચાલને 18 વર્ષની ઉંમરે આવ્યો હતો. જે બાદ સૌથી પહેલા તેઓએ મનોદિવ્યાંગ બાળકોનો કઈ રીતે આર્થિક અને સર્વાંગી વિકાસ કરી શકાય તેની માટે સર્ટિફાઇડ એજ્યુકેશન મેળવ્યું, તેઓએ જાતે તમામ સમાજના લોકો પાસે રજૂઆત કરી આર્થિક મદદ મેળવી નવજીવન સ્કૂલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.
મનોદિવ્યાંગોને ટ્રેનિંગ શિક્ષણ અને વોકેશનલ તાલીમ અપાય છે
અમદાવાદ ખાતે સૌ પ્રથમ મનો દિવ્યાંગ બાળકોનાં આર્થિક સામાજિક અને સર્વાંગી વિકાસ માટે 1994માં નવજીવન ટ્રસ્ટ સ્કૂલની શરૂઆત કર્યા બાદ અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં પણ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સેવાકીય સંસ્થાનોની શરૂઆત કરવામાં આવી જેમાં નિલેશભાઈ પંચાલે સેવા સાથે જોડાવા માંગતા લોકોને કઈ રીતે ટ્રસ્ટની સ્થાપના કરવી? કઈ રીતે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ, શિક્ષણ તેમજ વોકેશનલ તાલીમ આપવી તેવા તમામ પ્રકારના માર્ગદર્શન તથા મેન્ટર તરીકે પણ કાર્ય કર્યું છે.
82થી વધુ મનોદિવ્યાંગો લઈ રહ્યા છે લાભ
આ આયોજન વિશે વાત કરતા નિલેશભાઈ પંચાલ જણાવે છે કે અમારી સ્કૂલમાં 82થી વધુ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. જેમાં આજના પ્રોગ્રામમાં 35 જેટલા મનોદિવ્યાંગ લાભાર્થીઓએ 3 ગ્રુપ ડાન્સ અને 5 સોલો ડાન્સ રજૂ કર્યા, અમારી સંસ્થામાં 5 વર્ષથી ઉપરના કોઈપણ ઉંમરના મનોદિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્ય ટ્રેનિંગ, શિક્ષણ અને વોકેશનલ તાલીમ આપવામાં આવે છે. તેમજ નવજીવન સંસ્થા દ્વારા થતા કાર્યક્રમની વાત કરીએ તો ચિત્ર સ્પર્ધા, પીકનીક એજ્યુકેશનલ ટુર્સ, સ્પોર્ટ્સ અને દેશમાં ઉજવાતા અલગ અલગ તહેવારો જેવા કે ઉતરાયણ, નવરાત્રી, દિવાળી, હોળી, જન્માષ્ટમી, નાતાલ, 15 ઓગસ્ટ સહિત તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અમારી શાખામાં ટ્રેનિંગ માટે મૂકી જતા હોય છે. અને તેમની માટે કોઈ વય મર્યાદા નથી, તેઓ જીવે ત્યાં સુધી અથવા તો તેમની ઈચ્છા થાય ત્યાં સુધી અમારે ત્યાં વિનામૂલ્યે ટ્રેનિંગ લઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદ: કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની કરાઈ ઉજવણી