સાયબર ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, રાજકોટના 35 વકીલો બન્યા સાયબર ફ્રોડના ભોગ
ભારત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ ઈન્ટરનેટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને ડિજિટલ ભારતની સાથે ભારતના લોકો પણ ડિજિટલ વપરાશ તરફ વળી ગયા છે અને આજે નાના ગલ્લાથી માંડીને મોટી દુકાનો સુધી દરેક જગ્યાએ પેમેન્ટ પણ ઓનલાઈન સ્વીકારવામાં આવે છે ત્યારે હવે ચોરો પણ ડિજિટલ થઈ ગયા છે જેના લીધે સાયબર ક્રાઇમના કેસ પણ વધી રહ્યા છે.ત્યારે રાજકોટમાંથી સાયબર ફ્રોડ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એક કે બે નહીં 35 જેટલા વકીલો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે.
રાજકોટમાં એક સાથે 35 વકીલો બન્યા સાયબર ફ્રોડનો શિકાર
સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડનો વ્યાપ હવે સરકારી વેબસાઈટો મારફતે થતા ટ્રાન્ઝેક્શન સુધી પહોંચી ગયો હોય તેવો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં ગતરોજ રાજકોટ શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35 થી વધારે વકીલો સાથે સાયબર ફ્રોડ થયો છે આ બાબતે વકીલોએ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીને લેખિતમાં રજૂઆત કરી છે. જે બાદ સાયબર ક્રાઈમની ટીમે શરૂ કર્યો તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પોલીસ દ્વારા વકીલોના ખાતામાંથી જે પૈસા ડિડકટ થયા છે તે કયા બેન્ક એકાઉન્ટમાં જમા થયા છે તે સહિતની તમામ વિગતો હાલ મંગાવવામાં આવી રહી છે.
વકીલોએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ
રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી વિજય તોગડિયાએ મીડિયાને જણાવ્યું હતુ કે દસ્તાવેજની નોંધણીનું કામ કરતા 35 વકીલોના બેંકના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે. વકીલોએ જણાવ્યું કે જ્યારે અમે દસ્તાવેજ ઓફિસે સાક્ષી તરીકે અંગુઠો આપીએ છીએ, ત્યારે પૈસા કપાઈ જાય છે. અને જ્યારે અમને તેનો ખ્યાલ આવ્યો ત્યારે અમે રેવન્યુ બાર એસોસિએશનના હોદ્દેદારોએ વકીલોને લઈને સાયબર ક્રાઇમના ACP વિશાલ રબારીને મળવા પહોચ્યા અને તેમને લેખિતમાં રજૂઆત કરી, જે બાદ અમારી રજૂઆતને ગંભીરતાથી લઈને ACP વિશાલ રબારીએ દસ્તાવેજની કચેરીમાં કઈ રીતે કામ થાય છે, તે અંગે તપાસ હાધ ધરી હતી.
આ પણ વાંચો : અમદાવાદ :વાંચતા આવડતું નથી તેવું કહીને વિદ્યાર્થીને ઢોર માર માર્યો, શિક્ષક સસ્પેન્ડ
જાણો કેવી રીતે બન્યા શિકાર ?
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, જ્યારે બાયોમેટ્રિક મશીનથી અંગૂઠાની છાપ આપવામાં આવે છે, ત્યારે તેની અંદર બગ હોવાથી ઓટોમેટિક ટોકન જનરેટ થઈ જાય છે અને બેંકમાંથી પેમેન્ટ ઉપડી જાય છે. જે બાદ હવે અધિકારીઓને આધારકાર્ડને બદલે ચૂંટણી કાર્ડ સહિત અન્ય પુરાવાઓ માન્ય ગણીને ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
સાયબર ક્રાઈમની ટીમે શરુ કરી તપાસ
આ મામલે સાયબર ક્રાઈ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત હોવાથી આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અન્ય કોઈ આ રીતે સાયબર ફ્રોડના શિકાર બન્યા છે કે નહીં અને આ ફ્રોડ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ બાબત છે તે અંગે તપાસ કરવામા આવી રહી છે.
આ પણ વાંચો : BREAKING : આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર અંગે મોટા સમાચાર, આ અધિકારીઓની કરાઈ ધરપકડ