બનાસકાંઠામાં લમ્પી વાયરસને નાથવા 34 ટીમો કામે લાગી
પાલનપુર:- બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસથી પશુપાલકોમાં ભયનો માહોલ છે. ત્યારે સોમવારે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ રાજસ્થાનને અડીને આવેલા લવારા ગામની મુલાકાત લીધી હતી. અને પશુપાલકો ને તેમના પશુઓની સારવાર આપવાની ખાતરી આપી છે.
બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનને અડીને આવેલા સરહદી વિસ્તારોની અંદર આવેલા ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસ આવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાજસ્થાન ને અડીને આવેલા દિયોદર તાલુકાના ગામડાઓ તેમજ ધાનેરા તાલુકાના મગરાવા, લવારા અને જાડી ગામમાં લમ્પી વાયરસ પશુઓમાં દેખાતા વહીવટી તંત્ર ની ટીમો એલર્ટ બની છે. પશુપાલન વિભાગ દ્વારા 34 જેટલી ટીમો બનાવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ્યાં લમ્પી વાયરસ પશુઓમાં જોવા મળી રહ્યો છે. ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા માં લમ્પી વાયરસ ના 250 કરતાં વધારે કેસો નોંધાયા છે. જ્યારે માત્ર ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં 65 કેસ નોંધાયા છે.
સોમવારે પશુપાલન વિભાગની ટીમની સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે પણ મગરાવા ગામમાં પહોંચ્યા હતા. અને ખેડૂતો ને આ રોગથી કેવી રીતે પશુઓને બચાવવા તેના પર ચર્ચાઓ કરી હતી. ખેડૂતો ને આશ્વાસન આપ્યું હતું કે, તેમના તમામ પશુઓની સારવાર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. અને આ રોગથી ડરવાની જરૂર નથી. જિલ્લાની પશુપાલન વિભાગની ટીમો અત્યારે ગામડાઓમાં ખેતરો ખુંદી રહી છે. અને જે પશુઓને લમ્પી વાયરસની અસર છે. તેને સારવાર આપવામાં આવી રહી છે. તેમજ લમ્પી વાયરસ મળી આવેલા પશુઓ ને અલગ રાખીને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે.બનાસકાંઠા માં લમ્પી વાઇરસ ના લક્ષણો પશુઓમાં દેખાય તો તાત્કાલિક 1962 નંબર પર સંપર્ક કરો. પશુઓમાં થતો લમ્પી વાઇરસને પ્રસરતો અટકાવવા માટે પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના વેટરનરી ર્ડાકટરો બેઠકમાં હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના લમ્પી વાઇરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં કામગીરી, સર્વે અને સારવાર અંગે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.