ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારમાં 34% વસતીની આવક દર મહિને માત્ર 6000 રૂપિયા: જાતિ આધારિત ગણતરીના આંકડા

પટણા: બિહારમાં એક તૃતીયાંશ એટલે કે 34.13% પરિવારોની માસિક આવક 6000 રૂપિયા કે તેનાથી ઓછી છે. જાતિ આધારિત વસતી ગણતરીના આર્થિક અને સામાજિક સર્વેક્ષણના અહેવાલમાં આ માહિતી રજૂ કરવામાં આવી છે. આ રિપોર્ટ બિહાર વિધાનસભાના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, રાજ્યમાં 6 થી 10 હજાર રૂપિયા પ્રતિ માસની આવક ધરાવતા પરિવારોની સંખ્યા 29.61% છે. તેનો અર્થ એ કે રાજ્યમાં એકંદરે 10 હજાર રૂપિયા પ્રતિ માસ સુધીની આવક ધરાવતા પરિવારોની સંખ્યા 63%થી વધુ છે.

રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે ઉચ્ચ જાતિઓમાં પણ ઘણી ગરીબી છે. સામાન્ય વર્ગના લગભગ 25 ટકા, પછાત વર્ગના 33 ટકા અને અત્યંત પછાત વર્ગ અને 42 ટકા અનુસૂચિત જાતિની વસ્તીની માસિક આવક રૂ. 6,000 કે તેનાથી ઓછી છે. સંસદીય બાબતોના પ્રધાન વિજય કુમાર ચૌધરીએ વિધાનસભામાં રજૂ કરેલા અહેવાલ મુજબ, રાજ્યમાં લગભગ 2.97 કરોડ પરિવારો રહે છે, જેમાંથી 94 લાખ એટલે કે 34.13%કરતાં વધુ ગરીબ છે.

જનરલ કેટેગરીમાં સૌથી ઓછા ગરીબ

જાતિ આધારિત રિપોર્ટમાં જનરલ કેટેગરીમાં ગરીબોની સંખ્યા સૌથી ઓછી છે. જો જનરલ કેટેગરીમાં આવતી જાતિઓ વિશે વાત કરીએ, તો તેમાંથી ભૂમિહાર 25.32% સાથે સૌથી ગરીબ હોવાનું કહેવાય છે. આ પછી બ્રાહ્મણ પરિવારોમાં 25.3%, રાજપૂત પરિવારોમાં 24.89%, કાયસ્થ પરિવારોમાં 13.83% ગરીબ છે. રિપોર્ટ અનુસાર રાજ્યમાં ઉચ્ચ જાતિઓની સંખ્યા 15.52% છે. જેમાં ભૂમિહારની વસ્તી 2.86%, બ્રાહ્મણોની વસ્તી 3.66%, રાજપૂતની વસ્તી 3.45% અને કાયસ્થની વસ્તી 0.6011 ટકા છે. કુર્મીની વસ્તી 2.87 ટકા, મુસાહરની વસ્તી 3 ટકા, યાદવોની વસ્તી 14 ટકા હોવાનું કહેવાય છે.

મોટાભાગની વસ્તીની આવક માત્ર ₹ 6 હજાર 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિહારમાં 6,000 રૂપિયા સુધીની કમાણી કરનારા પરિવારોની સંખ્યા 94,42,786 એટલે કે 34.13 ટકા છે. ₹6,000 થી ₹10,000 ની વચ્ચે આવક ધરાવતી વસ્તી 29.61% છે. જ્યારે ₹10,000 થી ₹20,000 વચ્ચેની આવક ધરાવતા લોકોની સંખ્યા 18.6 % છે. તેવી જ રીતે ₹ 20,000 થી 50,000ની વચ્ચે આવક ધરાવતા લોકોની સંખ્યા 9.8 ટકા હોવાનું કહેવાય છે. ₹50,000થી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા માત્ર 3.90 ટકા છે. એટલે કે બિહારની મોટાભાગની વસ્તીની આવક માત્ર 6 હજાર રૂપિયા અથવા તેનાથી ઓછી છે. આ રિપોર્ટમાં 4.47 ટકા પરિવારો એવા છે જેમણે તેમની આવકનો સ્ત્રોત જાહેર કર્યો નથી.

આ પણ વાંચો: બિહાર સરકાર દ્વારા જાતિ આધારિત સર્વે રિપોર્ટ જાહેર

Back to top button