અમદાવાદમાં સિઝનનો 33 ટકા વરસાદ ત્રણ દિવસમાં જ આવ્યો
- શહેરમાં સિઝનના કુલ વરસાદની સરેરાશ 32.64 ટકા છે
- વિતેલા 24 કલાકમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ થયો
- છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો
અમદાવાદમાં સિઝનનો 33 ટકા વરસાદ ત્રણ દિવસમાં જ પડી ગયો છે. શનિવાર રાતથી મંગળવાર સાંજ સુધીમાં શહેરમાં 13 ઈંચ વરસાદ વરસ્યો છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં 7.08 ઈંચ એટલે કે, 28 ટકા વધુ વરસાદ છે. જેમાં અત્યાર સુધીમાં શહેરમાં સરેરાશ 32.12 ઈંચ વરસાદ થયો, ગત વર્ષે 25.04 ઈંચ હતો.
આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો
અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી જ ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો જે મંગળવારે પણ અવિરત વરસાદી માહોલ રહ્યો છે. રવિવાર રાતથી લઈને મંગળવાર સાંજ સુધીમાં શહેરમાં 13 ઈંચ જેટલો એટલે કે, કુલ વરસાદનો 32.59 ટકા વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં સિઝનના કુલ વરસાદની સરેરાશ 32.64 ટકા છે જેની સામે અત્યાર સુધીમાં 32.12 ઈંચ વરસાદ પડયો છે. એટલે 98.40 ટકા વરસાદ વરસી ગયો છે. ગત વર્ષે 25.04 ઈંચ વરસાદ થયો હતો. આમ ગત વર્ષની સરખામણીએ શહેરમાં આ વખતે 7.08 ઈંચ એટલે કે, 28 ટકા જેટલો વધુ વરસાદ પડયો છે.
વિતેલા 24 કલાકમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ થયો
અમદાવાદ શહેરમાં સોમવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં સરેરાશ 6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. એ પછી મંગળવાર સવારનાં 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં 7.44 ઈંચ અને મંગળવાર દિવસ દરમિયાન 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં અમદાવાદ શહેરમાં 32.59 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસ પહેલા શહેરનો સરેરાશ વરસાદ 21.48 ઈંચ એટલે કે, 65.81 ટકા હતો, જે વધીને આજે 98.40 ટકાએ પહોચી ગયો છે.