દ્વારકા પાસેના દરિયાકાંઠેથી 16 કરોડની કિંમતનું બિનવારસી 32 કિલો ચરસ ઝડપાયુ

દેવભૂમિ દ્વારકા, 8 જૂન 2024, ગત મોડી રાત્રે રૂપેણ બંદર તથા વરવાળા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના 30 પેકેટનો જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કુલ કિંમત 16.65 કરોડ જેટલી થાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મીઠાપુર માર્ગ પર આવેલા રૂપેણ બંદર તથા વરવાળા ગામ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ મનાતા પેકેટ પડ્યા હોવા અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી. ઈન્ચાર્જ એસ.પી. હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રીના સમયે જ આ સ્થળે જઈને પેકેટ કબજે કર્યા હતાં.
બિનવારસી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
પ્રાપ્ત વિગત મુજબ 30 જેટલા આ પેકેટમાં રહેલો પદાર્થ ચરસ જેવો નશાકારક પદાર્થ હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 16.65 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ નશાકારક પદાર્થ અંગે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.બિન વારસી મળી આવેલા કરોડો રૂપિયાની કિંમતના આ ચરસ સંદર્ભે રાત્રે જ કોમ્બિંગ તેમજ વ્યાપક ચેકિંગ કામગીરીની જવાબદારી એસ.ઓ.જી.ને સોંપવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સઘન કાર્યવાહી કરી અને આ ડ્રગ્સની ગુણવત્તા, કિંમત, સર્ચ ઓપરેશન સહિતની બાબતે કામગીરી કરી હતી.
ડ્રગ્સ પકડીને યુવાનોની જિંદગી બચાવવા ગુજરાત પોલીસ કટીબદ્ધ છે !
ગુજરાત પોલીસ દ્વારા દ્વારકાના વરવાળા ગામના દરિયાકિનારેથી બાતમીના આધારે ૧૬ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ૩૦ પેકેટમાં ૩૨ કિલો ચરસ સાથે ડ્રગ્સ માફિયાઓને ઝડપીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સંકળાયેલા વધુ ડ્રગ્સ… pic.twitter.com/0HHK87Yy6d
— Harsh Sanghavi (Modi ka Parivar) (@sanghaviharsh) June 8, 2024
હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ લખી
ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ લખીને જણાવ્યું કે, ડ્રગ્સ પકડીને યુવાનોની જિંદગી બચાવવા ગુજરાત પોલીસ કટીબદ્ધ છે! ગુજરાત પોલીસ દ્વારા દ્વારકાના વરવાળા ગામના દરિયાકિનારેથી બાતમીના આધારે 16 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા 30 પેકેટમાં 32 કિલો ચરસ સાથે ડ્રગ્સ માફિયાઓને ઝડપીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સંકળાયેલા વધુ ડ્રગ્સ માફીયાઓને પકડવાની તજવીજ ચાલુ છે. નશામુક્ત ગુજરાતના નિર્માણની દિશામાં દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી સરાહનીય છે.
આ પણ વાંચોઃગુજરાતના દરિયામાંથી 600 કરોડની કિંમતના નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ ઝડપાયા