અમદાવાદગુજરાત

રાજધાની એક્સપ્રેસ ટ્રેન રોકવાના ગુનામાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત 31 લોકો નિર્દોષ

Text To Speech

અમદાવાદ, 17 જાન્યુઆરી 2024, ગુજરાતની વડગામ સીટ પરથી અપક્ષ ચૂંટણી લડીને જીતેલા જિજ્ઞેશ મેવાણી સહિતના લોકો વર્ષ 2017ના જાન્યુઆરી મહિનામાં દલિત સમાજની માંગણીઓને લઈને અમદાવાદ રેલવે સ્ટેશનમાં ઘૂસી ગયા હતાં. આ દરમિયાન તેમણે પ્લેટફોર્મ નંબર 10 પાસે અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને રોકી હતી. આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને લોકોને પાટા પરથી હટી જવા સૂચના આપી હતી. લોકોને પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. લગભગ 20 મિનિટ જેટલો સમય ગાડી અમદાવાદ સ્ટેશને રોકાઈ હતી અને બાદમાં દિલ્હી જવા રવાના થઈ હતી.

જિજ્ઞેશ મેવાણી સહિત 31 લોકો સામે ગુનો નોંધાયો હતો
અમદાવાદ રેલવે પોલીસ મથકે ઉપરોક્ત બનાવ સંદર્ભે જિજ્ઞેશ મેવાણી સહિત કુલ 31 લોકો સામે રેલવે એક્ટની કલમ 153 મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસે બાદમાં મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. RPF ઇન્સ્પેકટરની ફરિયાદ મુજબ જિજ્ઞેશ મેવાણી સહિતના લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને રાજધાની રેલવેના એન્જીન ઉપર ચઢીને તેમજ પાટા ઉપર ઊંઘીને દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ રોકી હતી. આ દરમિયાન જિજ્ઞેશ મેવાણી ‘ગાડી આગે નહીં ચલેગી’ સૂત્ર પોકારતા હતા. 2017થી આ કેસ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેમાં જીગ્નેશ મેવાણી તરફે વકીલ પરેશ વાઘેલાએ દલીલો કરી હતી.

ઝપાઝપીમાં ઘાયલ થયેલ 29 પોલીસ કર્મચારી હતા
આ કેસમાં ચાર્જશીટ મુજબ 63 સાહેદો હતા. જ્યારે ઝપાઝપીમાં ઘાયલ થયેલ 29 પોલીસ કર્મચારી હતા.બચાવ પક્ષના વકીલ ગોવિંદ પરમારના જણાવ્યા અનુસાર ફરિયાદ પક્ષના લગભગ 70 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.ગઈકાલે મેટ્રો કોર્ટનાં જજ પી.એન.ગોસ્વામીએ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત 31 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. અગાઉ, નવેમ્બર 2023 અને ઑક્ટોબર 2022 માં, એડિશનલ મેજિસ્ટ્રેટ ગોસ્વામીએ અન્ય બે કેસોમાં મેવાણીની સાથે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યાં 2016ના વિરોધ માટે રમખાણોના આરોપો લાદવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ માંડલના અંધાપાકાંડમાં હાઈકોર્ટની સુઓમોટો, પ્રાથમિક રિપોર્ટ સોંપવા સરકારને આદેશ

Back to top button