અમદાવાદગુજરાત

અમદાવાદમાં વર્લ્ડ બેંકની 3000 કરોડની લોન વરસાદી પાણીમાં ગરકાવ, વિપક્ષનો આક્ષેપ

અમદાવાદ, 03 સપ્ટેમ્બર 2024, અમદાવાદ શહેરમાં પ્રી મોનસુનની કામગીરી કરવા માટે વર્લ્ડ બેંક પાસેથી ભાજપની સરકાર દ્વારા 3000 કરોડની લોન લેવામાં આવી હતી. ત્રણથી ચાર દિવસના વરસાદમાં અમદાવાદ શહેર જળબંબાકાર થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં પડેલ વરસાદમાં વર્લ્ડ બેંકની 3000 કરોડની લોન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

વર્લ્ડ બેંક પાસેથી ૩૦૦૦ કરોડની લોન મંજૂર કરાઈ
AMC વિપક્ષ નેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં નગરજનો કુદરતી આપત્તીનો ભોગ ના બને, પાણી ના ભરાય, ડ્રેનેજ બેક ના મારે તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઇ ડીસેમ્બર-૨૦૨૨માં ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તેમજ જુની ડેનેજ લાઇનનોનું અપગ્રેડેશન કરવા વર્લ્ડ બેંક પાસેથી ૩૦૦૦ કરોડની લોન લેવાનું કામ મંજુર કરવામાં આવેલ અને તે સમયે ખોટા બણગાં ફૂંકીને પોકળ દાવા કરેલ કે, આ કામો થવાથી હવે અમદાવાદ શહેરમાં વોટર લોંગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

રોડના કામોમાં ભષ્ટ્રાચાર આચરવાની સ્પીડમાં વધારો
વિપક્ષ નેતાએ ઉમેર્યું હતું કે ડ્રેનજ લાઈનો ડી-સિલ્ટીંગ કરવા તથા મેનહોલ તથા કેચપીટોની સફાઈ કરવા બાબતના કરોડો રૂપિયાના કામો મંજુર કરેલ હતાં. જો ખરેખર કામો થયાં હોય તો વરસાદમાં અમદાવાદ શહેરની પ્રજા હેરાન પરેશાન કેમ થઈ? શહેરના મોટા ભાગના વિસ્તાર પાણી કેમ ભરાયાં? આ તમામ બાબતોથી પુરવાર થાય છે કે કામો માત્ર કાગળ પર જ થવા પામેલ છે. ટ્રાફિક જામ થવાની તથા પાણી ભરાવવાની આફત કુદરત સર્જીત કરતાં તંત્ર/માનવ સર્જીત વધુ હોવાનું ચિત્ર ઉભું થયેલ છે.

યોગ્ય નકકર કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગ
તેમણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે સત્તાધારી ભાજપના રાજમાં સમગ્ર અમદાવાદમાં રોડ તુટવા પણ શરૂ થઈ જવા પામેલ છે. ગત વર્ષ તથા ચાલુ વર્ષના મળી કુલ ૨૦૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવેલ રોડ તુટી જતાં રોડના કામોમાં ભષ્ટ્રાચાર આચરવાની સ્પીડ વધવા પામેલ છે જેથી એસ.ટી.પી પ્લાન્ટ તથા જુની ડ્રેનેજ લાઇન અપગ્રેડ કરવા લીધેલ વર્લ્ડ બેંકની ૩૦૦૦ કરોડની લોન છતાં પણ અમદાવાદ શહેરમાં પાણી ભરાય છે. જેથી ૩૦૦૦ કરોડની માતબર રકમનો દુર્વ્યય જણાઇ આવે છે આ બાબતે પુરતી તપાસ કરી અમદાવાદના નગરજનોને વોટર લોંગિંગની સમસ્યામાંથી કાયમી મુક્તિ કેમ આપી શકાય તે બાબતે યોગ્ય નકકર કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

આ પણ વાંચોઃગોપાલ ઈટાલિયાનું ટ્વીટ, રાજીનામું આપ્યા બાદ મને હેડ-કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યુ, પોલીસની સ્પષ્ટતા

Back to top button