ટ્રેન્ડિંગનેશનલ

30 વર્ષ પહેલા ₹500ના શેર ખરીદીને દાદા ભૂલી ગયા, હવે પૌત્ર રાતોરાત બની ગયો માલામાલ

ચંદીગઢ, 02 એપ્રિલ: આપણે બધાએ ખજાનાની વાર્તાઓ તો સાંભળી જ છે, પરંતુ હકીકતમાં આવો કોઈ ખજાનો હાથે લાગે જાય છે તો જીવન સુખમય બની જાય. આવો જ ખજાનો ચંદીગઢના ડૉક્ટર તન્મય મોતીવાલાના હાથે લાગ્યો છે. ડૉ. તન્મય મોતીવાલા વ્યવસાયે ડૉક્ટર અને બાળરોગ નિષ્ણાત છે. જ્યારે તેઓ તેમના પરિવારની સંપત્તિના દસ્તાવેજો શોધી રહ્યા હતા ત્યારે તેમને વર્ષો જૂનું કાગળિયું મળ્યું. આ જોઈને સૌપ્રથમ તેઓ ચોંક્યા તો ખરી પણ ખુશીના મારે ઉછળી પડ્યા હતા. ખરેખર તેમને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI શેર સર્ટિફિકેટ) નું એક શેર પ્રમાણપત્ર મળ્યું, જે તેમના દાદાની માલિકીનું હતું. જાણીને નવાઈ લાગશે કે, 30 વર્ષ પહેલા તેમના દાદાએ 500 રૂપિયાના SBIના શેર ખરીદ્યા હતા, તે રોકાણનું વળતર હવે 750 ગણું વધી ગયું છે.

દાદાએ વર્ષ 1994માં 500 રૂપિયાના શેર ખરીદ્યા હતા

ડૉ. તન્મય મોતીવાલાના જણાવ્યા અનુસાર, તેમના દાદાએ 1994માં ₹500ના મૂલ્યના SBIના શેર ખરીદ્યા હતા, જે તેમના દાદાએ ક્યારેય વેચ્યા ન હતા અને કદાચ તેઓ તેના વિશે ભૂલી પણ ગયા હશે. જોવામાં આવે તો 1994માં કરાયેલું પ્રારંભિક રોકાણ હવે મોટી રકમમાં ફેરવાઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે SBIના આ શેરની કિંમત હવે ₹3.75 લાખ છે, એટલે કે ત્રણ દાયકામાં તેમને 750 ગણું વળતર મળ્યું છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરીને ડૉ. તન્મય મોતીવાલાએ કહ્યું કે, મારા દાદા-દાદીએ સાલ 1994માં 500₹ ના SBI શેર ખરીદ્યા હતા, જેમના વિશે તેઓ ભૂલી ચૂક્યા હતા. દાદાએ શા માટે આ શેર ખરીદ્યા હતા અને તેમની પાસે કેમ રાખ્યા તે અંગે મને કોઈ જાણ ન હતી. એક જગ્યાએ કૌટુંબિક મિલકતના કાગળિયા ભેગા કરતા સમયે મને આવા કેટલાક  સર્ટિફિકેટ મળ્યા જેનાથી આ હકીકત વિશે જાણ થઈ છે.

30 વર્ષના ગાળામાં 750 ઘણું વળતર મળ્યું

તેમણે આગળ લખ્યું, ‘ઘણા લોકોએ પૂછ્યું, તેની આજની કિંમત કેટલી છે? ડિવિડન્ડને બાદ કરતાં આ શેરની કિંમત લગભગ 3.75 લાખ રૂપિયા છે. 30 વર્ષમાં 750 ઘણું વળતર મળ્યું છે. આ ખરેખર મોટી રકમ છે. અમે કન્સલ્ટન્ટ/સલાહકારની મદદ લીધી, કારણ કે આ પ્રોસેસ ખૂબ જ લાંબી છે. એટલું જ નહીં, કન્સલ્ટન્ટ સાથે પણ ખાસ્સો એવો સમય લાગ્યો, પરંતુ મોટાભાગના પ્રમાણપત્રો ભેગા કરવા માટે અમે સક્ષમ છીએ.

પોસ્ટ વાયરલ થતાં લોકોએ પોતાની કહાની જણાવી

ડૉ. મોતીવાલાએ આગળ ખુલાસો કરતાં કહ્યું કે તેઓ હાલમાં આ શેર વેચવાના બદલે પોતાની પાસે રાખશે. કારણ કે, તેમને રોકડની જરૂર નથી. X પ્લેટફોર્મ પર શેર કર્યા પછી તેમની પોસ્ટ વાયરલ થઈ ગઈ છે અને લોકો પોતાની આવી જ કહાનીઓ જણાવી રહ્યા છે. તેમની પોસ્ટનો જવાબ આપતા એકે કહ્યું, આ એક વાસ્તવિક રોકાણ છે. આપણે આપણા વડીલો પાસેથી શીખવું જોઈએ.

આ પણ વાંચો: દેશમાં શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ગુજરાત રાજ્ય અગ્રેસર

Back to top button