ગુજરાતટોપ ન્યૂઝ

જામનગર નજીક કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરમાં 3 યુવાનોના મોત

  • અકસ્માતના બનાવમાં એકની હાલત ગંભીર
  • મૃતદેહો કાઢવા ફાયર વિભાગની ટીમ બોલાવવી પડી

જામનગર, 12 એપ્રિલ :  જામનગરથી જોડિયા તરફ જવાના રસ્તે જાંબુડા પાટીયાથી આગળ સચાણા ગામ પાસે શુક્રવારે સાંજે એક આઈટેન કાર અને ટ્રક ટેલર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં કારમાં બેઠેલા ચાર યુવાનો પૈકી ત્રણ યુવાનોના મૃત્યુ ઘટનાસ્થળે જ નિપજ્યા હતા. જ્યારે એક યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે જેસીબીની મદદથી ટ્રકને બહાર ખેંચ્યા પછી કારના પતરા કાપી અંદરથી મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. બનાવની જાણ થતાં પંચકોષી એ-ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ શરૂ કરી હતી.

મળતી વિગતો અનુસાર, જામનગર નજીક જાંબુડાના પાટીયાથી સચાણા તરફ જવાના માર્ગે સાંજના સમયે પુરપાટ ઝડપે આવી રહેલા કચ્છના અનુ ટ્રાન્સપોર્ટ કંપનીનો GJ 12 BV 3071 નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે સામેથી આવી રહેલી GJ 10 BR 3201 નંબરની આઈ-10 કારને ઠોકર મારી દેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો અને કારનું પડીકું વળી ગયું હતું.

બનાવની જાણ થતાં 108 ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેઓએ સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો-રાહદારીઓ વગેરેની મદદથી કારની પાછળની સીટમાં બેઠેલા બે યુવાનોને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જ્યાં એક યુવાનનો મૃતદેહ જ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર હાલતમાં હોવાથી તેને જી.જી. હોસ્પિટલના સારવાર અપાઈ રહી છે.

આ ઉપરાંત કારની આગળની સીટમાં બેઠેલા બે યુવાનો કારની અંદર દબાઈ ગયા હોવાથી તેઓના મૃત્યુ નીપજ્યા હતા. જેઓ બહાર નીકળી શકે તે સ્થિતિમાં ન હોવાથી જામનગરથી ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જેસીબીની મદદથી ટ્રક-ટેલરની બોડીને બહારની તરફ ખેંચતી હતી. ત્યારબાદ કારના પતરા કાપીને બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ દરમિયાન મૃતકોને ઓળખ થઈ હતી. ત્રણેય મૃતકોના નામ વિશાલ દીપકભાઈ સરવૈયા (ઉં.વ. 35), સાહિલ સુભાષભાઈ લીંબડ (ઉં.વ. 19) અને રોહિત ડાયાભાઈ (ઉં.વ. 19) અને તેઓ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાહુલ નીતિનભાઈ લીંબડ નામના 22 વર્ષના યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેની સારવાર ચાલી રહી છે.

Back to top button