અમદાવાદ: રિલ્સ બનાવવાના ચક્કરમાં 3 યુવકો સાથે સ્કોર્પિયો ગાડી ફતેહવાડી કેનાલમાં ખાબકી


અમદાવાદ, 06 માર્ચ 2025: સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું આજકાલ લગભગ મોટા ભાગના લોકોને ભૂત વળગ્યું છે. જેના કારણે ઘણી વાર એવું હરકતો કરી બેસતા હોય છે કે જીવ ખોવાનો પણ વારો આવે છે. ત્યારે વધુ એક કિસ્સો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી આવો જ બનાવ સામે આવ્યો છે. જ્યાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર કેનાલમાં ખાબકી હતી.
બનાવ એવો બન્યો છે કે, અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી ફતેહવાડી કેનાલમાં 3 યુવકો સ્કોર્પિયો ગાડી સાથે ખાબક્યા હતા. આ ગોઝારી ઘટનામાં ત્રણેય યુવકો ગુમ છે, તેમનો પત્તો લાગ્યો નથી. ફાયર વિભાગ દ્વારા આ યુવકોની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના બુધવારે સાંજના સમયે બની હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, અમદાવાદની ફતેહવાડી કેનાલ વિસ્તારમાં વાસણાના 3 યુવકો સાંજના સમયે ભાડેથી સ્કોર્પિયો કાર લઈને પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવવા માટે આ ત્રણેય યુવકો આવ્યા હતા. આ દરમ્યાન તેમની કાર અચાનક કેનાલમાં ખાબકી. આ દુર્ઘટનામાં ત્રણેય યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. આ ગોઝારી ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનામાં મોડી રાત સુધી ગુમ થયેલા યુવકોની ભાળ મળી નહોતી. ફાયર વિભાગની ટીમ આ ત્રણેય યુવકોને શોધવા માટે કામે લાગી છે. ફાયર વિભાગે એક ટીમ બનાવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલી કારને આબૂ રોડ પર ભયંકર અકસ્માત નડ્યો, 6 લોકોના મૃત્યુ