- 9મી એપ્રિલે પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા લેવાશે
- પરીક્ષા કેન્દ્ર શોધવા સહિતની માહિતી હેલ્પ લાઈન નંબર પરથી મળશે
- ત્રણ હજારથી વધુ કેન્દ્રો ઉપર 9.53 લાખ ઉમેદવારો આ ભરતી પરીક્ષામાં ભાગ લેશે
જુનિયર કલાર્કની પરીક્ષા 9મી એપ્રિલે લેવામાં આવશે. જેમાં ગેરરીતિ બદલ 3થી 10 વર્ષની જેલની સજા થશે. તથા પરીક્ષામાં હાજર રહેનારા સ્ટાફને તાલીમ અપાશે. તેમજ જાહેર પરીક્ષામાંથી બે વર્ષની મુદ્ત માટે બાકાત રાખવામાં આવશે. તેમજ પરીક્ષા કેન્દ્ર શોધવા સહિતની માહિતી હેલ્પ લાઈન નંબર પરથી પરીક્ષાર્થીઓને મળી રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી 62 કરોડનું નુકસાન, સરકાર સહાય આપશે!
ત્રણ હજારથી વધુ કેન્દ્રો ઉપર 9.53 લાખ ઉમેદવારો આ ભરતી પરીક્ષામાં ભાગ લેશે
ગુજરાતમાં આગામી 9મી એપ્રિલે પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષા લેવાશે, રાજ્યમાં ત્રણ હજારથી વધુ કેન્દ્રો ઉપર 9.53 લાખ ઉમેદવારો આ ભરતી પરીક્ષામાં ભાગ લેશે, પરીક્ષામાં જે સ્ટાફ હાજર રહેશે તેમને ગુરુવારે તાલીમ અપાશે, ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં જ સરકારે ગુજરાત જાહેર પરીક્ષા બિલ પસાર કર્યું હતું, જેનો અમલ ત્રીજી માર્ચથી શરૂ થયો છે, પેપર ફોડવા જેવી પ્રવૃત્તિના કેસમાં હવે બિનજામીન પાત્ર ગુનો બનશે, તેમ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું છે. બીજી તરફ ગુજરાત પંચાયત તેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાની હેલ્પ લાઈનની પણ જાહેરાત કરાઈ છે. જે માટે વિવિધ નંબરો જાહેર કરાયા છે. પરીક્ષા કેન્દ્ર શોધવા સહિતની માહિતી આ હેલ્પ લાઈન નંબર પરથી પરીક્ષાર્થીઓને મળી રહેશે.
ગેરરીતિ બદલ પરીક્ષાર્થીને ત્રણ વર્ષથી કેદ અને એક લાખના દંડની જોગવાઈ
ગેરરીતિ બદલ પરીક્ષાર્થીને ત્રણ વર્ષથી કેદ અને એક લાખના દંડની જોગવાઈ છે, જ્યારે કાવતરું કે ગેરરીતિ આચરવાનો પ્રયત્ન કરનારને પાંચ વર્ષથી ઓછી નહિ અને વધુમાં વધુ દસ વર્ષની કેદ અને 10 લાખથી એક કરોડ સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. આવા ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક અથવા તો પોલીસ ઈન્સ્પેક્ટરના દરજ્જાના અધિકારી દ્વારા કરાશે. જો કોઈ પરીક્ષાર્થી ગુનામાં દોષિત ઠરે તો તેવા પરીક્ષાર્થીને કોઈ પણ જાહેર પરીક્ષામાંથી બે વર્ષની મુદ્ત માટે બાકાત રાખવામાં આવશે.