પાલનપુરમાં હૃદયરોગ ફ્રી નિદાન કેમ્પનો 3 હજાર લોકો લેશે ભાગ


- હૃદયરોગ અંગે જાગૃતિ માટે કેમ્પ યોજાયો હતો
- આરોગ્ય તપાસ માટે મેમોગ્રાફી મશીન વાન લાવવામાં આવશે
- 3000થી વધુ લોકોનું નિદાન અને સારવાર કરવામાં આવશે.
પાલનપુર ખાતે બનાસ મેડિકલ કોલેજમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને હૃદય રોગ ફ્રી નિદાન મેગા કેમ્પ યોજાયો છે. જેમાં હ્રદયને લગતા નિદાન તેમજ સારવાર જેવી કે, જનરલ ચેકઅપ, કાર્ડિયાક, ઇ.સી.જી., કાઉન્સેલીંગ અને જરૂરીયાતવાળા દર્દીઓ માટે હાર્ટના ઓપરેશન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં બે દિવસ દરમિયાન કુલ 3 હજાર લોકોનું નિદાન કરી સારવાર અપાશે. બનાસકાંઠામાં કોઈપણ વ્યક્તિને હૃદયની બીમારી ન થાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિધાનસભા અધ્યક્ષ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી
નિદાન મેગા કેમ્પના ઉદઘાટન પ્રસંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સેવા પરમો ધર્મની ભાવનાથી કાર્ય કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળે છે. જ્યારે સેવામાં અભિમાન ન હોય ત્યારે સેવા જ ભક્તિ બની જાય છે તેમ કહી તેમણે શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલની હૃદયના ઓપરેશન સહિતની અનેક સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. વધુમાં જણાવાયું હતું કે આજના સમયમાં નાના બાળકો અને યુવાનો હૃદયરોગનો શિકાર બની રહ્યા છે, તેથી જીવનશૈલી સુધારવાની જરૂર છે. જેમ બીજા અંગો સો વર્ષ સુધી કામ કરે છે તો હૃદય કેમ નહીં એમ જણાવી તેમણે કહ્યું કે, આજે આપણા જીવનમાંથી શારીરિક શ્રમની બાદબાકી થઈ ગઈ છે.
તેમણે એમ પણ કહ્યું કે બનાસ મેડિકલ કોલેજ દ્વારા માતાઓ અને બહેનોના સ્વાસ્થ્યની તપાસ માટે મેમોગ્રાફી મશીન વાન લાવવામાં આવશે. આ કેમ્પમાં અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અકસ્માતમાં ઘાયલ યાત્રિકોને તાત્કાલિક સારવાર આપનાર તબીબો અને તબીબી સ્ટાફનું અધ્યક્ષના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એમ.આર. શાહ, શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના એમ.ડી. આ પ્રસંગે અગ્રણી મનોજભાઈ ભીમાણી સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસામાં યોજાયો ફ્રી મેગા મેડિકલ કેમ્પ