અમદાવાદગુજરાત

અમદાવાદમાં મેચ જોવા આવેલા દિલ્હીના યુવક સાથેના તોડકાંડમાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ, 7 TRB ફરજ મુક્ત

Text To Speech

અમદાવાદ, 21 નવેમ્બરઃ શહેરમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે દિલ્હીથી આવેલા યુવક પાસેથી શહેરના પોલીસકર્મીઓએ 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થયા બાદ હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનામાં કાર્યવાહી કરી છે. આ કેસમાં 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને 7 TRB જવાનોને ફરજમુક્ત કરાયા છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીના યુવકને પોલીસ દ્વારા 20 હજાર રૂપિયા પરત પણ કરી દેવામાં આવ્યાં છે.

યુવકે 20 હજાર ટ્રાન્સફર કર્યાનો પુરાવો આપતાં કાર્યવાહી
દિલ્હીથી અમદાવાદ આવેલા કાનવ માનચંદા અને તેના મિત્રોએ 20 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવાનો પુરાવો આપતાં તેના આધારે ટ્રાફિક ઈસ્ટ DCP સફિન હસને આ કેસની તપાસ સી ડિવિઝન એસપી ટ્રાફિકને સોંપી હતી. આ કેસની તપાસમાં ઘટના સ્થળે બંદોબસ્તમાં હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓના નોકરીના લિસ્ટ મંગાવીને તેના આધારે તપાસ શરૂ કરી હતી અને ફરજ પર હાજર તમામ ટ્રાફિક પોલીસ કર્મીઓના નિવેદન લેવામાં આવ્યા હતાં. આ કેસમાં નાના ચિલોડા પાસેના ટ્રાફિક પોઇન્ટ જી ડિવિઝન ટ્રાફિક વિભાગમાં આવતા બનાવ સમયે ફરજ બજાવતા મહાવીરસિંહ બહાદુરસિંહ અને તુષાર રાજપુત નામના બંને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય સાત ટ્રાફિક બ્રિગેડના જવાનોને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવ્યાં છે.

યુવકે મીડિયા સમક્ષ તોડ થયાની રજૂઆત કરી હતી
પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઘટના દરમિયાન શરૂઆતમાં ટ્રાફિક પોલીસ દ્વારા રૂપિયા 2 લાખની માંગ કરીને કાયદેસર કાર્યવાહી નહીં કરવાની ખાતરી અપાઇ હતી.આ રકમ ખૂબ જ વધારે હોવાથી કાનવ માનચંદાએ પતાવટ કરવાનું કહેતા પોલીસકર્મીઓ આ લોકોને કારમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવા માટેનું દબાણ કર્યું હતું. આ યુવકોએ પોતાની પાસે આટલા રૂપિયા નહીં હોવાનું કહેતા પોલીસકર્મીઓએ 20 હજારનું UPIથી અન્ય વ્યક્તિના ખાતામાં પેમેન્ટ કરાવ્યું હતું. બાદમાં આ યુવકોને છોડી મુકાતા મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને તે દરમિયાન યુવકે મીડિયા સમક્ષ તોડ થયાની રજૂઆત કરી હતી. ત્યાર બાદ ટ્રાફિક DCP સફિન હસને ફરિયાદ વિના જ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મોબાઈલનું પાર્સલ મંગાવવું વેપારીને મોંઘું પડ્યું, રેપીડો વાળો લઈને ફરાર થઈ ગયો

Back to top button