ગુજરાતના ચોટીલા, ભાવનગર અને કપરાડામાં અકસ્માતની 3 ઘટના, 3ના મૃત્યુ 5 ઘાયલ


- ત્રણેય ઘટનામાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું
- બલદાણા ગામના પાટીયા પાસે કાર ટ્રક નીચે ઘુસી જતા અકસ્માત
- ભાવનગરના સીદસર ગામ પાસેના શામપરા ચોકડી ખાતે સફાઈકર્મીને અકસ્માત
ગુજરાતમાં દરરોજ ક્યાકને ક્યાક અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે રાજ્યના ચોટીલા, ભાવનગર અને કપરાડામાં અકસ્માતની ત્રણ ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ત્રણેય ઘટનામાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
લીંબડી ચોટીલા નેશનલ હાઇવે પર બલદાણા ગામના પાટીયા પાસે કાર ટ્રક નીચે ઘુસી જતા અકસ્માત
લીંબડી ચોટીલા નેશનલ હાઇવે પર બલદાણા ગામના પાટીયા પાસે કાર ટ્રક નીચે ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારમાં સવાર એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતદેહ કારમાં ફસાઈ ગયા હોવાથી ક્રેનની મદદ અને કારના પતરા ચીરીને બહાર કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ભાવનગરના સીદસર ગામ પાસેના શામપરા ચોકડી ખાતે સફાઈકર્મી શારદાબહેન જીતુભાઈ વાઘાણી રોડ પર સફાઈકામ કરી રહ્યાં હતા, ત્યારે એક ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં પ્રાથમિક સારવાર માટે નાના પોઢાના સરકારી દવાખાને ખસેડાયા
વાપીથી નાસિક તરફ જઈ રહેલી બસનો કપરાડા તાલુકાના અંભેટી ગામે અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરના મોટા ખાડાના કારણે બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં ઉતરીને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 35 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. તેમજ ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થતાં પ્રાથમિક સારવાર માટે નાના પોઢાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં છઠ પૂજાના મહાપર્વનું આયોજન, આ સ્થળોએ યોજાશે ઉત્સવ