જામનગર બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, રેસ્ક્યુ કામગીરી ચાલુ

- દુર્ઘટનામાં એક બાળક, સગર્ભા મહિલા અને પુરૂષનું મોત
- નવી સાધના કોલોની વિસ્તારમાં બની હતી ઘટના
- અંદાજે બે દાયકા કરતા પણ વધુ જૂનું બાંધકામ હોવાનું આવ્યું સામે
- ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી
જામનગર શહેરમાં આજે સમી સાંજે એક અકસ્માત સર્જાયો છે. શહેરના નવી સાધના કોલોની વિસ્તારમાં એક ત્રણ માળનું જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થયું છે. આ ઘટનામાં એક બાળક, એક સગર્ભા મહિલા અને એક પુરૂષના મોત થયાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ બિલ્ડીંગ ધડાકાભેર તૂટી પડવાના કારણે સ્થળ ઉપર નાસભાગ મચી ગઇ હતી. બનાવના પગલે મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડ સ્ટાફ તથા મહાનગરપાલિકાનો સ્ટાફ દોડી ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જામનગરમાં આવેલ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. જેમાં અનેક લોકો દટાયાની શંકા છે. હાલ રાહત બચાવ કામગીરી ચાલુ છે.#jamnagar #jamnagarnews #Building #NEWS #NEWSUPDATE #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/pe9m7jrfmJ
— Hum Dekhenge News (@humdekhengenews) June 23, 2023
એક બાળક સહિત ત્રણેક લોકોને બહાર કાઢયા
મળતી માહિતી મુજબ, જામનગરની નવી સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાંજે ધડાકાભેર તૂટી પડ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ બિલ્ડીંગમાં ત્રણ માળ હતા. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયેલા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જામવા મળ્યું છે. આ મકાન 25 વર્ષ કરતા વધુ જૂના છે. અહીં હાલ મળતી માહિતી મુજબ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાંથી એક બાળક સહિત ત્રણ લોકોને હાલ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં જર્જરિત બિલ્ડીંગ તૂટી પડવાની દુર્ઘટના
એક હતભાગી યુવાન પોતાના પરિજનોની શોધખોળ માટે અંદર જવા તડફડીયા મારતો હૃદયદ્રાવક વીડિયો આવ્યો સામે#jamnagar #jamnagarnews #Building #NEWS #NEWSUPDATE #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/OImPUAQQVb
— Hum Dekhenge News (@humdekhengenews) June 23, 2023
સાંસદ, ધારાસભ્ય સહિતનાઓ પહોંચ્યા
શહેરના સાધના કોલોનીમાં મકાન ધરાશાહી થવાની ઘટનાની જાણ થતા સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, મહાનગરપાલીકા કમિશનર ડી.એન.મોદી, ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, વિપક્ષ નેતા ધવલ નંદા સહિતના અને કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી ગયા હતા. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોચેલા સાંસદ પૂનમબેન માડમ દુર્ઘટનાનો નઝારો જોઇને તેમજ ફસાયેલા લોકોના પરિજનોની વિકટ સ્થિતિ જોઈ ભાવુક બની ગયા હતા. અને તેમની આંખના ખૂણા ભીંજાયા હતા.

108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
આ બનાવના પગલે આ વિસ્તારમાં અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. આ ઘટના ની જાણ થતા જામનગર મહાનગર પાલિકાની ફાયર વિભાગ ની ટીમ, 108 એમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય હાથ ધાર્યું હતું. ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગના કાટમાળ હેઠળથી પાંચ લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ વધુ લોકોની શોધખોળ હાથ ધરી હતી.













