મોડાસા પાસે બાઈક ચાલકને બચાવવા જતાં ST બસ લકઝરીને અથડાઈ, ત્રણનાં મૃત્યુ, 25 ઘાયલ
મોડાસા, 01 જૂન 2024, આજે સવારે વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક જ કલાકમાં બે અકસ્માતો થયાં છે. જેમાં એક દંપતિનું મૃત્યુ નિપજતાં તેમના બે બાળકો નિરાધાર બન્યાં છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. મોડાસાના સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકો ઘટના સ્થળે જ મૃત્યુને ભેટ્યાં હતાં. જ્યારે 25 લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
એસટી બસ એક ખાનગી લકઝરી બસને અથડાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસાના સાકરિયા પાસે બાઈક ચાલકને બચાવવા જતાં એસટી બચ અચાનક રોંગ સાઈડમાં આવી ગઈ હતી. આ દરમિયાન ડભોઈ મોડાસા એસટી બસ એક ખાનગી લકઝરી બસને અથડાઈ હતી. આ ટક્કર દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. બસમાં સવાર મુસાફરોમાં અકસ્માતને લઈને ભારે ફફડાટ ફેલાયો હતો.
મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ
અકસ્માતની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. અકસ્માતને કારણે મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરી દેવાયો છે. આ અકસ્માતને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા ઘટનાનો તાગ મેળવવામાં આવ્યો હતો. અકસ્માત બાદ અરવલ્લી અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી,મોડાસા મામલતદાર દ્વારા ઘટના સ્થળે જઈને સ્થિતિનો તાગ મેળવાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર દરમિયાન તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે પણ નિર્દેષ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ વે પર એક કલાકમાં બે અકસ્માતઃ માતા પિતાનું મોત થતાં બાળકો નિરાધાર બન્યાં