અંબાજી : હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે રવિવારની મધ્યરાત્રી થી વહેલી પરોઢ સુધીમાં અંબાજી માં પણ ભારે વસરાદ પડતા તારાજી સર્જી છે. અંબાજી પંથકમાં મહત્તમ સાંજે કે રાત્રે જે વરસાદ પાડવાની પરંપરા રહી હોય તેમ રવિવારની રાત્રિ પણ અંબાજી માં 3 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા. અંબાજીની સાયન્સ પ્રવાહ અને સંસ્કૃત પાઠશાળાના વિશાળ પ્રાંગણમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. અને શાળાઓ શરૂ થઈ જવા છતાં ભરાયેલા પાણીના કારણે શાળામાં વિદ્યાર્થીઓનો અભાવ જોવા મળ્યો હતો.
જયારે કેટલીક સોસાયટીઓ માં પણ રોડ રસ્તા ધોવાઈ જતા પરિસ્થિતિ વણસી છે. ધસમસતા પ્રવાહના કારણે રોડ સંપૂર્ણપણે તૂટીને ધોવાઈ જતા માર્ગો ઉપર મોટા ખાડા પડી ગયા છે. જ્યાં હાલ તબક્કે વાહનો તો ઠીક પણ રાહદારીઓ પણ ન ચાલી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. અંબાજીની બજારોમાં પણ ધસમસતા પાણીના પગલે રાત્રી દરમિયાન બંધ દુકાનોમાં પાણી ઘુસી જતા દુકાનમાં પડેલો સામાન પલડી જવા પામ્યો હતો. જેને લઈને વેપારીઓ પરેશાન જોવા મળ્યા હતા. જ્યારે સવારે ધંધા રોજગાર શરુ કરતા પહેલા દુકાનોમાં ભરાયેલા પાણી અને કાદવ બહાર કાઢવો પડ્યો હતો.
જોકે અંબાજીપંથકમાં પડેલા વરસાદના પગલે અંબાજી નજીક આવેલ પહાડી વિસ્તાર માંથીભૂસ્ખલન પણ થયું હતું. જેના કારણે મોટા પથ્થરો માર્ગ પર ધસી આવ્યા હતા. હજુ પણ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થાય તો મોટા પથ્થરો હાઇવે માર્ગ પર ધસી આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. જોકે આ સમગ્ર વરસાદ દરમિયાન અકસ્માત કે કોઈ જાનહાનીના સમાચાર નથી.