ભારતની બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનના મિયાં ચન્નુ શહેરમાં 9 માર્ચે પડી હતી. ભૂલથી છોડવામાં આવેલી આ મિસાઈલ પર ખેદ વ્યક્ત કરતા ભારતે તપાસની ખાતરી આપી હતી. હવે આ કેસમાં ત્રણ અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના આ આદેશનો તાત્કાલિક અમલ પણ કરવામાં આવ્યો છે. 23 ઓગસ્ટના રોજ સંબંધિત વાયુસેના અધિકારીઓને આ આદેશ વિશે જાણ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેના દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
કેવી રીતે બહાર આવ્યો મામલો
પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડીજીએ આ ઘટનાનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું – ભારત દ્વારા આપણા દેશ પર જે પણ ફાયરિંગ કરવામાં આવ્યું છે, તેને તમે સુપર સોનિક ફ્લાઈંગ ઓબ્જેક્ટ અથવા મિસાઈલ કહી શકો છો. તેમાં કોઈ હથિયાર કે દારૂગોળો નહોતો. તેથી, ત્યાં કોઈ વિનાશ થયો ન હતો.
જો કે, આ પહેલા પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે મિયાં ચન્નુ વિસ્તારમાં એક ભારતીય ખાનગી વિમાન ક્રેશ થયું છે. પાકિસ્તાની સૈન્ય પણ ઘટનાસ્થળ મુલતાન નજીક મિયાં ચન્નુને જ ગણાવી રહ્યુ હતુ.
નકશો પણ બહાર પાડ્યો
DG ISPRએ કહ્યું- 9 માર્ચે સાંજે 6.43 કલાકે ભારત તરફથી પાકિસ્તાન તરફ ખૂબ જ તેજ ગતિએ મિસાઈલ છોડવામાં આવી હતી. અમારી હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેને રડાર પર જોઇ હતી પરંતુ તે ઝડપથી મિયાં ચન્નુ વિસ્તારમાં પડી હતી. બોર્ડરથી પાકિસ્તાન પહોંચવામાં 3 મિનિટ લાગી. સરહદથી કુલ 124 કિમીનું અંતર કાપવામાં આવ્યું હતું. તે 6.50 વાગ્યે ક્રેશ થયું હતું. કેટલાક મકાનો અને મિલકતોને નુકસાન થયું હતું. આ મિસાઈલ ભારતના સિરસાથી છોડવામાં આવી હતી. સમય અને નકશાના સંદર્ભમાં, આ અસ્ત્ર (શસ્ત્રો વિનાની મિસાઇલ) 261 કિમીનું અંતર 7 મિનિટમાં કાપે છે.