વડોદરામાં 3 વિદેશી વિદ્યાર્થીઓ બાખડ્યા, પાપુઆ ન્યૂ ગિની દેશના વિદ્યાર્થીને છરી મારી
વડોદરા, 19 જુલાઈ 2024, શહેરમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીને છરી વાગતાં લોહીલુહાણ થઈ ગયો હતો. તેના રૂમ સહિત એપાર્ટમેન્ટના પગથિયા પણ રક્તરંજિત થઈ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો.ત્રણેય વિદ્યાર્થીઓ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
પાપુઆ ન્યૂ ગિની દેશનો વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હાલતમાં હતો
વડોદરાના વાઘોડિયા રોડ પર સ્થિત એક એપાર્ટમેન્ટમાં 12 દિવસ પહેલા જ ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ રહેવા માટે આવ્યા હતા. આ ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલે વડોદરા પોલીસ કંટ્રોલરૂમને માહિતી મળી હતી. જેથી પાણીગેટ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. આ સમયે પાપુઆ ન્યૂ ગિની દેશનો રહેવાસી અને પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી એક છરી પણ મળી હતી.
મકાનમાંથી ભાગી ગયેલા બે યુવકોની શોધખોળ શરૂ કરાઈ
પાણીગેટ પોલીસે જણાવ્યું હતું કે, બે લોકો મકાનમાંથી ભાગી ગયા હતા. પાપુઆ ન્યૂ ગિનીના વિદ્યાર્થીને અંગ્રેજી ભાષા આવડતી ન હોવાથી દુભાષિયાની મદદ લેવાઈ છે અને આ મામલે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે. આ મામલે ડીસીપી લીના પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે, માથાકૂટ બાદ યુવક ઇજાગ્રસ્ત થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તે પહેલાં મકાનમાંથી ભાગી ગયેલા બે યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત યુવકની પણ પૂછપરછ કરવામાં આવશે.
આ પણ વાંચોઃગુજરાતનું આ ગામ વેચવાના કૌભાંડમાં બે પોલીસ કર્મચારીની સંડોવણી હોવાની ચર્ચા